અયોધ્યાની ભૂમિ ઉપર માગશર સુદ પાંચમ, 25મી નવેમ્બરે
દિવ્ય ઉત્સવ ઊજવાયો. યુગો પુરાણી પરંપરાના
મૂર્ત સ્વરૂપ કહી શકાય તેવાં રામમંદિરના શિખર ઉપર ધ્વજારોહણ થયું, એ સાથે જ શતાબ્દીઓના સંઘર્ષ, શતાબ્દીઓના પ્રયાસોને પુરુષોત્તમી પૂર્ણતા પ્રાપ્ત થઈ. અયોધ્યા રામમંદિરના
શિખર ઉપર ધ્વજાનું આરોહણ તો થયું સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્યાંથી ફરી એકવાર
રાષ્ટ્રને જાગૃત કરતું આહ્વાન પણ કર્યું. 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટેનો જે પથ કાપવાનો છે તે
રામના આદર્શોના આધારે જ કપાશે, સામૂહિક
શક્તિ થકી આ કાર્ય સંપન્ન થશે તેવો વિશ્વાસ આ વક્તવ્યમાં વ્યક્ત થયો. રામભક્તિ,
રાષ્ટ્રભક્તિ અને વૈશ્વિક અભિગમનો પ્રયાગ આ પ્રવચનમાં હતો તેમ કહેવું
અતિરેક નથી. ધ્વજારોહણનો અવસર પણ સામાન્ય ઘટના નથી. પ્રાણપ્રતિષ્ઠા તો થઈ ગઈ હતી,
પરંતુ મંદિર નિર્માણનું કાર્ય આજે સંપન્ન થયું કહેવાય. આ ફક્ત કોઈ ઈમારત, કોઈ બાંધકામ નથી. ભારતની સાંસ્કૃતિક પરંપરા, આધ્યાત્મિક
પ્રણાલીનું મૂર્ત સ્વરૂપ છે. રામમંદિર પચાસ, સો વર્ષની યાત્રા
નથી તે યુગોથી આરંભાયેલા એક યજ્ઞની પ્રજ્વલિત અગ્નિશિખા છે, આજે
તેનું બીડું હોમાયું તેમ કહી શકાય. આ એક અનોખો અવસર હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું
આ પ્રસંગે વક્તવ્ય સ્વાભાવિક રીતે લોકોની ઉત્સુકતાનો વિષય હોય. તેઓ અસ્ખલિત બોલ્યા
તે કંઈ નવી વાત નથી. રામ અને રામચરિત્ર વિશેના શ્લોક, સુભાષિત
તેમણે ટાંક્યા તે પણ પ્રથમ ઘટના નથી, પરંતુ રામથી રાષ્ટ્ર સુધીના
સંકલ્પનો તેમણે આજે વિશિષ્ટ રીતે પુનરોચ્ચાર કર્યો. વડાપ્રધાનના વક્તવ્યના મુદ્દા ફક્ત
ભાવવિભોર થઈ જવા પૂરતા નથી, પ્રજા તરીતે તેનું આચરણ દેશવાસીઓની
જવાબદારી છે. અયોધ્યા વિશે તેમણે કહ્યું કે, આ ભૂમિ આદર્શોથી
આચરણની ભૂમિ છે. તે આપણે સિદ્ધ કરવું પડશે. વડાપ્રધાને ધીર-ગંભીર વક્તવ્યમાં કહ્યું
તેનો જો અમલ થાય તો ખરેખર દેશ આંતર-બાહ્ય રીતે સમૃદ્ધ બની શકે. તેમણે કહ્યું કે,
આ ધ્વજદંડ યુગો સુધી માનવમાત્રને આદર્શની પ્રેરણા આપશે. આ અયોધ્યા એ
નગરી છે જ્યાંથી રામ યુવરાજ તરીકે વનમાં ગયા અને પુરુષોત્તમ તરીકે પરત આવ્યા. અહીં
સામૂહિક શક્તિ છે, વિકસિત ભારત માટે આપણે એ જ રસ્તો અપનાવ્યો
છે. રામ ભેદથી નહીં, ભાવથી જોડાય છે. એમના માટે કૂળ નહીં, ભક્તિ, વંશ નહીં, મૂલ્ય મહત્ત્વનું છે. આપણે પણ 11 વર્ષમાં મહિલા, અ.જા., પછાત, વંચિત, ખેડૂત, યુવાનને કેન્દ્રમાં
રાખીને ચાલ્યા છીએ. વડાપ્રધાને અયોધ્યાની પાવનભૂમિ ઉપરથી ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવા આહ્વાન કર્યું,
તેમણે કહ્યું કે, 190 વર્ષ પૂર્વે મેકોલેએ આપણી સાંસ્કૃતિક પરંપરાને તોડવાના પ્રયાસ
શરૂ કર્યા હતા. આપણે આઝાદ થયા પરંતુ માનસિકતા બદલી ન શક્યા. આગામી દસ વર્ષ આપણે મેકોલેના
આ પ્રોજેક્ટને ધ્વસ્ત કરવાનો છે. ગુલામીની મનોદશામાંથી બહાર આવવાનું છે. પ્રાણપ્રતિષ્ઠા
વખતે આગામી 1000 વર્ષની વાત થઈ હતી, ભારતનું નિર્માણ આપણે ભાવિ પેઢી માટે કરવાનું
છે. વડાપ્રધાને આ વાતમાં વિરોધીઓને પણ આવરી લઈને કહ્યું કે, ગુલામીની
માનસિકતા એટલી વ્યાપ્ત હતી કે, રામને પણ કેટલાક લોકો કાલ્પનિક
ગણાવવા લાગ્યા હતા. આ માનસિકતા આગામી દાયકામાં તોડવાની છે. ધ્વજારોહણની સાથે વડાપ્રધાને
આ આહ્વાન કર્યું. રામ વિશે તેમણે ઘણી વિસ્તૃત વાત કરી. અયોધ્યા માટે પણ કહ્યું કે,
આ હવે વિકસિત ભારતનો મેરુદંડ છે. અહીં અધ્યાત્મ અને એઆઈનો સમન્વય છે.
તમામ રીતે આ નગરીનો વિકાસ થઈ રહ્યો છે. આજના સમયમાં પણ રામના આદર્શ આપણા માર્ગદર્શક
છે. વિકસિત ભારતની ગતિ માટે આપણે જે રથ ચલાવવાનો છે તેના પૈડાં શૌર્ય અને ધૈર્ય છે,
તે રથ ઉપર સત્ય આચરણ, નીતિ-નૈતિકતાની ધજા હશે તેને
બળ, વિવેક, સંયમ અને પરોપકારના અશ્વો ખેંચશે
અને તેના ઉપર ક્ષમા, કરુણા અને સમભાવની લગામ રહેશે. રામના આદર્શ, રામનું જીવન,
રામાયણનું આચમન અને તેની સાથે આજનું અને આવતીકાલનું ભારત, ભારતની વિકાસયાત્રા અને સરકારની નીતિ આ તમામ બાબતને તેમણે સમાવી લીધા. પ્રભાવક
વક્તવ્ય નરેન્દ્રભાઈ માટે કોઈ નવી બાબત નથી, આજનું વક્તવ્ય પણ
ઉત્તમ રહ્યું. રાજકીય મુદ્દા કે આઘાત-પ્રત્યાઘાત વગરનું આ વક્તવ્ય હતું, તેમણે જે મુદ્દા કહ્યા તે કોઈ એક સરકાર, એક પક્ષ માટેના
નહોતા. તે રાજકીય નહીં, પરંતુ રાષ્ટ્રીય હતા. રામના આદર્શ ઉપર
રાજ્યતંત્રનું નિર્માણ અને સંચાલન તે પ્રકત્યેક નાગરિકની પણ ઈચ્છા અને અમલ હોવા જોઈએ.