ઢોરી (તા. ભુજ), તા. 25 : આહીરપટ્ટીના
ઢોરી ગામે એક યુવતીની ગામના જ યુવક દ્વારા કરાયેલી નિર્મમ હત્યાની ઘટનાને ગ્રામ પંચાયત
અને ગામલોકોએ વખોડી કાઢી છે. ગામની ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જશીબેન ગોપાલભાઇ કાંગીની
એક યાદીમાં જણાવ્યા મુજબ ગામમાં સદીઓથી ભાઇચારાની ભાવના જળવાઇ રહી છે. ગામના દરેક સમાજના
લોકો એકબીજા સાથે હળીમળી રહે છે તેવા સમયે ગામમાં ઘટેલી આ ઘટના ગામની એકતામાં કલંકરૂપ
હોઇ સમગ્ર ગામ આ ઘટનાની ઘોર નિંદા કરે છે. વધુમાં આ સરપંચના લેખિતમાં જણાવ્યા મુજબ
આ ઘટના પાછળ જે લોકો દોષી છે તેને ભારતીય સંવિધાન મુજબ કડકમાં કડક સજા થવી જોઇએ. સાથે
આ ઘટના બાદ ગામમાં ભાઇચારાની ભાવનાને ઠેસ પહોંચે તેવી કોઇપણ ગતિવિધિ સામે પણ સજાગ રહેવા
દરેક સમાજના લોકોને અપીલ કરાઇ છે. ગામના બુઝુર્ગ વડીલો પણ આ ઘટનામાં સંકળાયેલા દોષીઓને
ફિટકાર આપી પીડિત પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરાઇ હોવાનું પણ સરપંચની એક યાદીમાં જણાવાયું
છે.