ગાંધીધામ, તા. 25 : અહીં પાણીનો બગાડ કરનારા સામે
મહાપાલિકા દ્વારા તાજેતરમાં આદિપુર ખાતે વેપારીનું જોડાણ કાપી કાર્યવાહી કરાયા બાદ
આજે બે મિલ્કતધારકો સામે દંડનાત્મક કાર્યવાહી કરાઈ હતી. ગાંધીધામ આદિપુરમાં પાણીનો બગાડ કરનારા સામે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં
આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાણી, નાયબ કમિશનર મેહુલ દેસાઈ અને સંજય રામનુજનાં માર્ગદર્શન તળે આ કાર્યવાહી કરાઈ
હતી.શહેરના લીલાશાહ નગર વિસ્તારમાં પ્લોટ નંબર 234માં કાર્યવાહી કરાઈ હતી. મિલકતધારકો દ્વારા
પાણીથી આંગણા, ગાડી ધોવાનું અને વિતરણ
સમયે વાલ ન લગાવી પાણીનો બગાડ કરનારા સામે કાર્યવાહી કરાય છે. આ ઉપરાંત શક્તિનગરમાં
સી-51 ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીધામમાં બંને સ્થળે 10 હજારનો દંડ વસૂલવામાં આવ્યો
હતો. મહાપાલિકાની આ કાર્યવાહીથી પાણીનો બગાડ કરનારા લોકોમાં ફફડાટ પ્રસર્યો છે. શહેરીજનો
દ્વારા વહીવટી તંત્રની આ કાર્યવાહીને બિરાદાવી રહ્યા છે અને તેના થકી પાણીનો બગાડ અટકશે
તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.