પૂર્વી ગોસ્વામી દ્વારા : ભુજ, તા. 25 : માનવ જીવનની શરૂઆતથી જ કપડું
માત્ર આવરણ નહોતું, તે સ્વરૂપનું,
સંસ્કૃતિનું અને સૌંદર્યનું પ્રતીક રહ્યું છે.હાથની સિલાઈ અને કઢાઈએ મનુષ્યને સૌંદર્યની નવી દિશા આપી
છે. તેમાંથી એક અનોખી એપ્લિક કળાનો વિકાસ થયો છે. આ જ કળાના કારીગર સુમરાસરનાં ભાવનાબેન
ગૌતમ ભાનાણીએ બે વર્ષની ધીરજપૂર્વકની મહેનત બાદ પોતાની આંગળીઓનાં ટેરવે ક્વિલ્ટ સાઈઝ
કાપડ પર એપ્લિકની મદદથી રામાયણના પ્રસંગો ઉતાર્યા છે. એપ્લિક શબ્દનો ઉદ્ભવ લેટિન શબ્દ
`એપ્લિકેર' (અર્થાત્ `લગાડવું'
કે `જોડવું') અને ફ્રેન્ચ `એપ્લિકર'
પરથી થયો છે. શરૂઆતમાં તેનો ઉપયોગ ફાટેલાં કે ઘસાયેલાં કપડાંને મજબૂત
બનાવવા માટે થતો હતો. ધીમે ધીમે આ પ્રયોગ કળાત્મક રૂપમાં ફેરવાયો અને દુનિયાભરની અનેક
સંસ્કૃતિઓમાં પોતાની ઓળખ બનાવી. કર્ણાટકનું કૌડી કામ અને ઓડિશાનું પિપલી ગામનાં વર્કથી
જુદા પ્રકારનું એપ્લિક વર્ક ગુજરાત અને રાજસ્થાન રાજ્યોમાં જોવા મળે છે. કચ્છમાં એપ્લિકનો
ઉપયોગ ખાસ કરીને ઘરઘાટની વસ્તુઓમાં, પડદા તરીકે, બેડશીટ, દુપટ્ટા, કુર્તી,
શર્ટ, બાળકોનાં પારણાના આવરણો અને ધાર્મિક ઉત્સવોના
શણગારમાં જોવા મળે છે. સ્થાનિક કારીગરો રંગોની સમૃદ્ધ સમજ સાથે કામ કરે છે. લાલ,
પીળા, લીલા અને કાળા રંગનાં કપડાં પર કાપણી કરીને
પાન, ફૂલ, પશુપંખી અને આકાશી નમૂનાઓ ગોઠવે
છે. દરેક ટાંકા પાછળ કારીગરની કલાત્મક દૃષ્ટિ અને અનુભવ છલકે છે. નગરપારકર (સિંધ,
પાકિસ્તાન)માં જન્મેલા ભાવનાબેનનો જીવનપ્રવાસ 1971નાં યુદ્ધ પછી ભારતમાં શરૂ
થયો. થરાદના શરણાર્થી કેમ્પમાં બાળપણ, ત્યાંથી ભણવાનું સપનું અધૂરું રહ્યું, પણ હાથમાં સૂઈ-ધાગો
પકડી લેતાં જ એક નવો માર્ગ ખુલ્યો. માતાથી શીખેલી પરંપરાગત ભરતકામ કળાને તેમણે જીવનનો
આધાર બનાવ્યો. લગ્ન પછી ઘરકામની સાથે કળા પ્રત્યેનો લગાવને યથાવત્ રાખ્યો અને સૂફ ભરત
સાથે તેમણે એપ્લિક વર્કમાં પ્રયોગ શરૂ કર્યા. નાના કાપડના ટુકડાં જોડીને તેમણે રામાયણના
અનેક પ્રસંગોનું ચિત્રરૂપ સર્જન કર્યું છે. આ રચનાને પૂર્ણ કરવા ભાવનાબેનને લગભગ બે
વર્ષનો સમય લાગ્યો. શ્રીરામ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને લાગણી આ કળાકૃતિમાં સ્પષ્ટ
દેખાય છે. ભાવનાબેનની ઈચ્છા છે કે, આ રામાયણનો નમૂનો એવી જગ્યા
પ્રદર્શિત થાય, જ્યાં દેશ-વિદેશના લોકો તેને નિહાળી શકે અને રામભક્તિની
પ્રેરણા લઈ શકે. જેની કિંમત અંદાજે દોઢ લાખ રૂપિયા છે. આ અગાઉ તેઓ ગામડાંનું જીવન,
ભારત દર્શન જેવા નમૂના બનાવી ચુક્યા છે જે સારી બજાર કિંમતે કળાપ્રેમીઓ
દ્વારા ખરીદી લેવામાં આવ્યા હતા. ભાવનાબેન જેવી મહિલાઓ માટે આજે આ કળા માત્ર શોખ નથી
રહી, તે આર્થિક સ્વાવલંબનનું સાધન બની ગઈ છે. કચ્છ, સુરત, અમદાબાદ અને ભાવનગર જેવાં શહેરોમાં મહિલાઓના સ્વયં
સહાય સમૂહો આ કળા દ્વારા રોજગાર ઊભો કરી રહ્યાં છે. સ્થાનિક બજારથી લઈને આંતરરાષ્ટ્રીય
ડિઝાઇન એક્ઝિબિશનમાં `હેન્ડમેડ
એપ્લિક'ની મોટી માંગ છે.