નવી દિલ્હી, તા. 13 : મુંબઈ ર6/11 આતંકી હુમલાના સૂત્રધાર પૈકીના
એક તહવ્વુર રાણાની એનઆઈએ (રાષ્ટ્રીય તપાસ એજન્સી) દ્વારા સતત પૂછપરછ કરવામાં આવી રહી
છે. શરુઆતની તપાસમાં દુબઈ કનેકશન અને મિસ્ટર બી (એજન્સીએ રાખેલું નામ) નો ખુલાસો થયા
બાદ હવે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી ગેન્ગ સાથે તેના સંભવિત સંબંધો તથા
મુંબઈ હુમલામાં ભૂમિકા અંગે તપાસ શરૂ કરાયાનો નવો ખુલાસો થયો છે. સૂત્રો અનુસાર તહવ્વુર
રાણા અને ડેવિડ હેડલી વચ્ચે થયેલા અનેક ફોન કોલ્સની વિગતો તપાસમાં આવી રહી છે જેથી
મુંબઈ હુમલાની યોજના અને તેમાં સામેલ અન્ય લોકોને ઓળખી શકાય. એનઆઈએને
મહત્ત્વની કડી દુબઈના એક શખ્સની મળી છે જેને હેડલીના નિર્દેશ પર રાણા મળ્યો હતો. શું
દુબઈનો એ શખ્સ દાઉદ કે ડી ગેન્ગ સાથે સંકળાયેલો છે
? તે બાબત તપાસ હેઠળ છે. અમેરિકાએ ભારતને હવાલે કરેલા તહવ્વુર રાણાના
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ તથા આતંકી સંગઠન લશ્કરે તોયબા સાથેના સંબંધોની પણ
તપાસ કરાઈ રહી છે. માનવામાં આવે છે કે ર008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલાનું કાવતરું ર00પ આસપાસ ઘડવામાં આવ્યું હતુ. તપાસ દરમિયાન
આતંકી રાણાના વોઈસ સેમ્પલ લેવામાં આવ્યા છે.