નવી દિલ્હી, તા. 13 : દેશના ગૃહમંત્રાલયે
રાજ્યપાલ આર.એન. રવિ વિરુદ્ધ તામિલનાડુ સરકારે કરેલા કેસમાં સુપ્રીમ કોર્ટના આઠમી એપ્રિલના
આદેશ વિરુદ્ધ સમીક્ષા અરજી કરવાની તૈયારી કરી છે. સર્વોચ્ચ અદાલતે રાજ્યપાલ તરફથી મોકલાતા
વિધેયક પર ફેંસલો લેવા રાષ્ટ્રપતિ માટે પણ ત્રણ મહિનાની સમયસીમા બાંધી હોવાથી અમે સમીક્ષા
અરજીનું પગલું ભરવા વિચારી રહ્યા છીએ તેવું મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિના
નિર્ણયોની રાજ્યોને જાણકારી પહોંચાડવા માટે નોડલ એજન્સીની ભૂમિકા ભજવતું હોવાથી આ મામલો
સીધો ગૃહ મંત્રાલયને સામેલ કરે છે તેવું તેમણે ઉમેર્યું હતું. ગૃહમંત્રાલયે દાવો કર્યો
હતો કે, સુપ્રીમ કોર્ટનો આદેશ `ખામીયુક્ત વિધેયકો' માટે દ્વાર ખોલી આપે છે, જે નુકસાનકારક બની શકે છે. બંધારણીય જોગવાઇઓ હેઠળ આવા ખામીયુક્ત ખરડા રાજ્ય
વિધાનસભાઓમાં રાષ્ટ્રપતિએ સૂચવેલા સુધારાઓ કરીને પુન: પસાર કર્યા પછી મોકલાય તે યોગ્ય
પ્રક્રિયા છે, તેવું ગૃહમંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું.
મંત્રાલયના અધિકારીઓએ એવું પણ કહ્યું કે, દલીલોના દોર દરમ્યાન
કેન્દ્ર સરકારના મતને પૂર્ણપણે રજૂ કરી શકાયો
નહીં હોવાથી સમીક્ષા અરજી કરવાની જરૂર જણાઇ છે. બંધારણના અનુચ્છેદ 201માં ગૃહમંત્રાલયને રાજ્યસભાઓના
વિધેયકોના સંદર્ભમાં રાષ્ટ્રપતિ દ્વારા લેવાતા નિર્ણયોની જાણકારી આપવા માટે નોડેલ એજન્સી
તરીકે ભૂમિકા ભજવવાનો નિર્દેશ અપાયેલો છે.