નવી દિલ્હી, તા. 13 : અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલાં ટેરિફયુદ્ધને લઇને બે મહાસત્તાઓ યુ.એસ. અને
ચીન આમને-સામને છે. ડ્રેગને શરૂઆતમાં આ અંગે કડક વલણ દાખવ્યું હતું, પરંતુ ધીમે ધીમે તેનું વલણ નરમ પડી રહ્યું છે.
નવા ઘટનાક્રમમાં ચીનનાં વાણિજ્ય મંત્રાલયે રવિવારે અમેરિકાને પારસ્પરિક ટેરિફને સંપૂર્ણપણે
રદ કરવાની અપીલ કરી હતી. `અમે અમેરિકાને
તેની ભૂલો સુધારવા માટે એક મોટું પગલું ભરવા, પારસ્પરિક ટેરિફની ખોટી પ્રથાને સંપૂર્ણપણે રદ કરવા અને પરસ્પર સન્માનના સાચા
માર્ગ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ' એમ સમાચાર એજન્સી એએફપીએ
મંત્રાલયના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શનિવારે ટ્રમ્પે સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ
ઉત્પાદનો માટે મુક્તિની જાહેરાત કરી હતી. ચીનનાં વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે,
`વાઘના ગળામાં બાંધેલી ઘંટડી ફક્ત તે જ વ્યક્તિ
ખોલી શકે છે જેણે તેને બાંધી છે.' મંત્રાલયે
ટ્રમ્પ વહીવટી તંત્રને ટેરિફ પ્રત્યેનો પોતાનો અભિગમ સુધારવા હાકલ કરી હતી અને કહ્યું
હતું કે, તે હજુ પણ કેટલાક ઇલેક્ટ્રોનિક્સને ટેરિફમાંથી મુક્તિ
આપવાનાં પગલાંનું મૂલ્યાંકન કરી રહ્યું છે. કારણ કે, દેશને 90 દિવસના ટેરિફમાં મુક્તિ આપ્યા
પછી પણ મોટાભાગની ચીની વસ્તુઓ પર 145 ટકા સુધીની ડયૂટી લાગુ પડે છે. ચીને બે દિવસ પહેલાં અમેરિકન
માલ પર ટેરિફ 84 ટકાથી વધારીને 125 ટકા કર્યો હતો. જ્યારે અમેરિકાએ
ચીની ઉત્પાદનો પર ટેરિફ કુલ 145 ટકા સુધી
વધારી દીધો હતો.