નવી દિલ્હી, તા. 13 : અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની ચારેતરફ અસર જોવા મળી રહી છે અને દુનિયાભરના શેરબજારમાં ઉથલપાથલ
જોવા મળી રહી છે. આ દરમિયાન મૂડીઝ રેટિંગ એજન્સીએ ટેરિફના અસર મુદ્દે પોતાનો એક અહેવાલ
જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું
છે કે અમેરિકી વ્યાપાર નીતિ ગ્રાહકોની ભાવનાને નબળી પાડશે. જેની પ્રતિકુળ અસર તમામ
એશિયન દેશોમાં જોવા મળશે. આ સાથે જ એજન્સીએ કહ્યું છે કે ટેરિફની નકારાત્મક અસર અમેરિકી
બજાર અને દેશના લોકો ઉપર પણ પડશે. - વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમ : અહેવાલમાં
કહેવામાં આવ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ દેશો ઉપર પરસ્પર ટેરિફ
3 મહિના માટે ટાળ્યો છે. જો કે ચીન સાથેના
તણાવમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. જેના કારણે વ્યાપાર યુદ્ધ વધતા મંદીનું જોખમ વધ્યું
છે અને તેનાથી થનારા પ્રભાવથી વૈશ્વિક અર્થતંત્ર માટે નકારાત્મક જોખમ પેદા થઈ રહ્યા
છે. - ચીનમાં સુસ્તીની એશિયામાં અસર : મૂડીઝ રેટિંગના વરિષ્ઠ ઉપાધ્યક્ષ નિકી ડાંગના
કહેવા પ્રમાણે અમેરિકા-ચીન તણાવ વધતા અને ચીનમાં સુસ્તીના કારણે પડનારા પ્રભાવ એશિયા
ક્ષેત્રની વૃદ્ધિની સંભાવનાઓ માટે નેગેટીવ જોખમ પેદા કરે છે. જો કે ભારત જેવા મોટા
ઘરેલુ બજાર ધરાવતા દેશોને આવા બજાર સુધી પહોંચ વધરવા ઈચ્છુક કંપનીઓથી લાભ થઈ શકશે.
જો કે રોકાણના પ્રભાવાં મોટો બદલાવ જોવામાં અમુક વર્ષો લાગી શકે છે. - કેવી રીતે ઓછી થશે નકારાત્મક અસર : મૂડીઝના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ડાંગના કહેવા
પ્રમાણે ટ્રમ્પ તરફથી ટેરિફ રોકવામાં આવતા ક્ષેત્રના વ્યાપાર અને ગ્રોથ ઉપર વધુ નકારાત્મક
અસર ઓછી કરી શકશે. ટ્રમ્પે ચીનને છોડીને અન્ય
દેશો ઉપર ટેરિફ 90 દિવસ માટે
ટાળ્યો છે. જેનાથી ચીની અર્થવ્યવસ્થામાં સુસ્તી આવી શકે છે. ચીની નિકાસ ઉપર વધારાના
શુલ્ક ચીનના વિકાસ ઉપર વધારે દબાણ લાવશે. વધુમાં અમેરિકી વેપાર નીતિઓને લઈને અનિશ્ચિતતાથી
ઘરેલુ માંગ અને વિકાસની સંભાવના ઘટી શકે છે.