અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : શૈક્ષણિક સ્તરના મુદ્દે સમાજવાદી પાર્ટી
(સપા)ના અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટી (આપ)ના અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં 157 ધો. 10ના બધા છાત્ર નાપાસ થયા હોવાના ટ્વિટ બાદ
રાજકીય ઘમસાણ મચ્યું છે અને હવે આ મુદ્દે `એક્સ' પર પોસ્ટવોર
શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકારે વળતા પ્રહારમાં કહ્યું કે, હજી તો
પરિણામ આવ્યું નથી. હા, બનાવટી નેતાઓ છે. યુપી-દિલ્હીના આ બંને
નેતાઓએ એક્સ પર ગુજરાત બોર્ડના પરિણામો સંદર્ભે એક પોસ્ટ કરી ગુજરાત મોડલને નિષ્ફળ
ગણાવી ડબલ એન્જિનની સરકાર ફેલ હોવાના દાવા પણ કર્યા હતા. જેના જવાબમાં ગુજરાતના ગૃહ
રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કેજરીવાલ અને અખિલેશ યાદવની ઝાટકણી કાઢી બંનેને બનાવટી નેતા
ગણાવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે,
નકલી નેતાઓથી સાવધાન. મેં આવા નકલી નેતાઓ ક્યારેય જોયા નથી. ગુજરાત બોર્ડના
પરિણામો હજુ જાહેર થયા નથી, પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર નકલી પરિણામો શેર કર્યા છે. જૂના પરિણામોના આધારે
અમને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નોંધનીય છે કે, સમાજવાદી
પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક સમાચારનો ક્રીનશોટ શેર કર્યો છે,
જેમાં લખ્યું હતું કે, ગુજરાત બોર્ડનું પરિણામ
: 157 શાળામાં ધોરણ 10માં શૂન્ય વિદ્યાર્થીઓ પાસ થયા. ગુજરાતની
157 શાળામાં એક પણ વિદ્યાર્થી 10મા ધોરણની બોર્ડ પરીક્ષા પાસ કરી શક્યો
નથી. આપણે ભાજપને હટાવીશું, આપણે ભવિષ્ય
બચાવીશું. આમ આદમી પાર્ટીના કેજરીવાલે, સપાના અખિલેશ યાદવની આ
પોસ્ટને રીટ્વીટ કરી હતી અને ગુજરાત શિક્ષણ મોડેલ પર ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
વાસ્તવમાં, આ બંને નેતાએ
25મી મે-2023ના જાહેર થયેલું ગુજરાત બોર્ડના 10માના પરિણામના આધારે ટ્વીટ કર્યું હતું.
આ પરિણામ વખતે ધો.10માં કુલ 7,34,898 વિદ્યાર્થીઓમાંથી 4,74,893 એટલે કે 64.62 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
રાજ્યની 272 શાળાનું પરિણામ 100 ટકા હતું. 157 શાળામાં બોર્ડની આ પરીક્ષામાં
એક પણ વિદ્યાર્થી પાસ થયો ન હતો. દરમ્યાન, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ
આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે,વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે
રાજકીય રોટલા શેકવાની કોશિશ અત્યંત નિંદનીય છે. ગુજરાત અને દેશની જનતા જાગૃત છે અને
આવી ખોટી વાતોને સ્વીકારી લેતી નથી, માટે જ આવા નકલી નેતાઓને
જાગૃત મતદારો દ્વારા સમગ્ર દેશમાં જાકારો મળ્યો છે