ગાંધીધામ, તા. 13 : ગાંધીધામના સાઉથ, નોર્થ, ભારતનગર,
સેક્ટર, ગુરુકુલ સહિતના વિસ્તારોમાંથી પીવાનું
પાણી દૂષિત મળતું હોવાની વ્યાપક ફરિયાદો બાદ મહાનગરપાલિકાનાં વહીવટી તંત્ર દ્વારા લાઈનમાંથી
લીકેજો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રામબાગ પાણી ટાંકાનાં કમ્પાઉન્ડનો લગભગ
ચાર કરોડ લિટરની ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ બંધ
અવસ્થામાં છે, જેના પગલે ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોના લોકોને
ફિલ્ટર વગરનું પાણી અપાઈ રહ્યું છે, તો બીજીતરફ પાણીની લાઈનોમાં
લીકેજ હોવાથી લોકોને પીવાનું પાણી દૂષિત મળી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી.
તંત્ર દર ચોથા દિવસે પાણી આપે છે અને તે પણ અપૂરતું આપે છે અને તેમાં પણ લીકેજનાં કારણે
દૂષિત મળતું હોવાથી લોકો ફરિયાદો કરવા માટે અધિકારીઓ સુધી પહોંચી ગયા હતા, જેના કારણે જ બંને નાયબ મ્યુનિસિપલ કમિશનરોએ પાણી વિભાગને તત્કાળ જોડિયા શહેરમાં
જ્યાંથી પણ દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદો આવે તે વિસ્તારમાં લાઈનોમાંથી લીકેજ દૂર
કરવાની સૂચના આપી હતી, જેના પગલે જ કામગીરી થઈ રહી છે. તંત્ર દ્વારા શહેરના સાઉથ, નોર્થ અને ભારતનગર સહિતના વિસ્તારોમાં પાણીની લાઈનમાંથી લીકેજો દૂર કરવાની
કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે શહેરના અનેક પોશ વિસ્તારમાં સપ્લાય સમયે વ્યાપક
પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. ઘરના ટાંકા ભરાઈ જાય છે, છતાં નળ બંધ કરતા નથી. વહીવટી તંત્ર દ્વારા જે વિસ્તારોમાં પાણીનો બગાડ થઈ
રહ્યો છે ત્યાં કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.