• મંગળવાર, 15 એપ્રિલ, 2025

ગાંધીધામમાં રખડતા નંદીઓ માટે પાંજરાપોળ બનાવાશે

ગાંધીધામ, તા. 13 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરમાં રખડતાં ઢોરનાં કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધીમાં નંદીઓની લડાઈમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, તો અસંખ્ય લોકોને ઇજાઓ પહોંચી છે. વ્યાપક ફરિયાદો પછી મહાનગરપાલિકાના અધિકારીઓએ ગૌશાળાના સંચાલકો સાથે બેઠક કરી હતી અને જે ગૌશાળામાં જગ્યા હોય ત્યાં નંદીઓને રાખવાની ચર્ચાઓ થઈ હતી, તો બીજી બાજુ નંદીઓને પકડીને રાખવા માટે પાંજરાપોળની વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે તે દિશામાં કાર્યવાહી થઈ રહી છે. મહાનગરપાલિકાનાં વહીવટી તંત્ર દ્વારા શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં રખડતા નંદીઓની ઘણી સમસ્યાઓ હોવાથી નંદીઓને પકડીને પાંજરાપોળમાં રાખવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા બે કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ડીસી-પાંચની પાછળના ભાગે પ્લોટ  આપવામાં આવ્યો છે અને તેમાં જ પ્રાથમિક તબક્કે 25 લાખ રૂપિયાના ખર્ચે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવાની દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે. તાજેતરમાં જ આ બાબતે કર્મચારીઓ અને સંસ્થા સાથે ચર્ચાઓ પણ થઈ હતી. જેટલી ઝડપથી વ્યવસ્થાઓ ઊભી કરીને રખડતા નંદીઓને પાંજરાપોળમાં મૂકવામાં આવશે તો લોકોને રાહત મળશે. હાલના સમયે રખડતાં ઢોરની સમસ્યાથી જોડિયા શહેરોના નાગરિકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. નગરપાલિકા સમયે અનેક  વખત લોકોએ રજૂઆતો કરી હતી, પણ કોઈ કાર્યવાહી થઈ નથી. નંદીઓની લડાઈમાં યુવાનનાં દેહાંત પછી લોકોના આક્રોશને ધ્યાને લઈને થોડા દિવસ પૂરતી કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં રામલીલા મેદાનનો ગેટ ખૂલી જતાં નંદીઓ ભાગી છુટયા હતા. તે મુદ્દો સામાન્ય સભામાં પણ ઉઠયો હતો, પરંતુ તંત્રએ ત્યાર પછી કોઈ કાર્યવાહી કરી નથી. તે સમસ્યા હાલના સમયે પણ લોકોને સહન કરવી પડી રહી છે, પણ હવે મહાનગરપાલિકાનું તંત્ર કાર્યવાહી કરી રહ્યું હોય તેવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. - નવ મહિનામાં 1.37  લાખનો ખર્ચ કરાયો : નગરપાલિકાએ રખડતા નંદીઓને પકડવા માટે બજેટમાં સાત લાખના ખર્ચની જોગવાઈ કરી હતી. ત્યાર પછી તેની અમલવારી થઈ નથી. નવ મહિના દરમિયાન નંદીઓને પકડવા પાછળ રૂા. 1,37,404 ખર્ચ કરવામાં આવ્યો છે અને ત્રણ મહિના દરમિયાન રૂા.5 લાખ ખર્ચાશે તેવું દર્શાવ્યું છે, પણ રખડતાં ઢોરની સમસ્યા યથાવત છે અને રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તેની સામે સવાલો ઊઠી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd