• મંગળવાર, 15 એપ્રિલ, 2025

સંપત્તિ એટલે માત્ર ધન નહીં આરોગ્ય પણ છે તે સમજવું જરૂરી

ગાંધીધામ, તા. 13 :  વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ડિવાઇન લાઇફ હોસ્પિટલ, આદિપુરના સંયુક્ત ઉપક્રમે હૃદયરોગ અંગે જાગૃતિ વિષય અંગે કાર્યશાળાનું આયોજન કરાયું હતું. આ વેળાએ યુવાનોમાં હૃદયરોગના વધતાં પ્રમાણને ચિંતાજનક સ્થિતિ ગણાવાઈ હતી. આરંભમાં  ચેમ્બરના પ્રમુખ  મહેશ પુજે શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય દિવસ માત્ર એક સ્મરણદિન નહીં, પણ એ આત્મમંથન કરવાનો અવસર છે. આપણા જીવનમાં આરોગ્યને કેવી રીતે પ્રથમ પ્રાથમિકતા આપી શકાય. તેમણે સંદેશમાં કહ્યું હતું કે, આજના દોડધામ ભરેલાં જીવનમાં પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવું એ સૌથી મોટું પ્રવૃત્તિક્ષમ અને જવાબદારીપૂર્ણ કાર્ય છે. આવા પ્રકારના આરોગ્યલક્ષી કાર્યક્રમો ગાંધીધામ ચેમ્બર દ્વારા આયોજિત થાય એ ખૂબ જ હર્ષની વાત હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી. ચેમ્બરના ખજાનચી નરેન્દ્ર  રામાણીએ કહ્યું હતું કે, આજનો કાર્યક્રમ માત્ર એક આરોગ્ય વિષયક પ્રવચન તરીકે નહીં, પરંતુ સમાજમાં હૃદયરોગ જેવી ગંભીર સમસ્યાની પાછળ રહેલાં કારણો, નિવારક ઉપાયો અને જીવનશૈલીમાં જરૂરી પરિવર્તન અંગે સાક્ષરતા લાવવાનો પ્રયાસ છે. તેમણે ઉમેર્યું  હતું કે, ખાસ કરીને કોવિડ બાદ જે રીતે યુવા પેઢીમાં પણ હાર્ટએટેકના કેસ વધ્યા છે તે ચિંતાજનક છે અને લોકોમાં સમયસર જાગૃતિ હોવી આવશ્યક છે. ચેમ્બર આવા કાર્યક્રમો દ્વારા માત્ર વ્યાવસાયિક ધોરણે નહીં પણ સમાજ સેવાથી જાગૃતિ લાવવા માટે પણ પ્રતિબદ્ધ છે. વિશેષ સત્રમાં ડિવાઇન લાઇફ હોસ્પિટલના  હૃદયરોગ  નિષ્ણાત, ડો. મૌલિક પટેલ દ્વારા વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં દર કલાકે 7થી હાર્ટએટેકના કેસ નોંધાતા આવ્યા છે, જેમાં મોટા ભાગના દર્દીઓ યુવાન વયના હોય છે.  હૃદયનું  કામકાજ અને તેની તકલીફો સમજાવતા તેમણે  હૃદયરોગના  શરૂઆતમાં છાતીમાં દબાણ, ધબકારા, શ્વાસ લેવામાં તકલીફ વગેરે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ડો. પટેલે જણાવ્યું હતું કે, હૃદયરોગો માટે મોટા પગથિયાં જેવા ભયસ્થાનીમાં મોટાપો, કોલેસ્ટ્રોલ, ડાયાબિટિસ, ફેમિલી હિસ્ટ્રી, ધ્રુમપાન, તણાવ અને બેફામ જીવનશૈલી મુખ્ય કારણો રહ્યાં છે.  તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, લોકોએ હવે સમજવું પડશે કે `સંપત્તિ' એટલે માત્ર ધન નહીં, પણ આરોગ્ય પણ છે. યોગ્ય જીવનશૈલી, સંતુલિત ખોરાક અને નિયમિત વ્યાયામ હૃદયને સ્વસ્થ રાખવા માટે અગત્યનાં છે તેમણે ઓલિવ ઓઈલ, લીલાં શાકભાજી, ફળો, ફાઈબરયુક્ત આહાર, ઓછી ચરબીવાળા ખોરાકની ભલામણ કરી હતી. સાથેસાથે એલડીએફ અને એચડીએફ કોલેસ્ટ્રોલનું કામ શું છે તેની  પણ સરળ ભાષામાં સમજ આપી હતી. તેઓએ અંતમાં કહ્યું હતું કે, જાગૃતિ ફેલાવવી એ સારવાર કરતાં પણ વધુ અસરકારક છે, અને આજે જે માહિતી આપણી સમક્ષ છે તેને જીવનમાં ઉતારવી એ સાચો આરોગ્ય દિવસ ઊજવવાનો અર્થ છે અને તે નિયમિત રીતે પોતાના માટે ઊજવાય એ જ જરૂરી હોવાનું ગણાવ્યું હતું. માનદ્મંત્રી  મહેશ તીર્થાણીએ તેમનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમ દ્વારા જે આરોગ્યની સમજણ સભ્યોને મળી છે તે તેમનાં જીવન માટે દિશાદર્શક બનશે. તેમણે ઉમેર્યું હતું કે, આરોગ્ય અંગેની જાગૃતિ ફેલાવવી એ હવે વિકલ્પ નથી, પણ ફરજ બની ગઈ છે અને ચેમ્બર આ પ્રકારના કાર્યક્રમો દ્વારા જનહિતમાં તમામ પ્રકારે સહકાર આપી રહી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના કારોબારી સભ્ય  કૈલાસ ગોર દ્વારા કરાયું હતું. આ પ્રસંગે ડિવાઇન લાઈફ હોસ્પિટલના ડોક્ટર શીતલ ત્રેવાડિયા અને કોર્પોરેટ હેડ વિનોદ સોલંકી સાથે ચેમ્બરના  પૂર્વ પ્રમુખ  તેજા કાનગડ, સહમંત્રી જતીન અગ્રવાલ, કારોબારી સભ્યો  ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd