• મંગળવાર, 15 એપ્રિલ, 2025

ભુજમાં બેન્કના કેશ કાઉન્ટર પાસે ઊભેલા વડીલના રૂા. 1.50 લાખ સેરવાયા

ભુજ, તા. 13 : સમયાંતરે આંગળીના ઇલમીઓ પોતાની સિફતપૂર્વકની કળાથી નાણાં-પાકિટ કે દાગીના સેરવતા હોય છે. આવો જ એક બનાવ શુક્રવારે શહેરના હોસ્પિટલ રોડ સ્થિત સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના કેશ કાઉન્ટર પર બન્યો હતો, જેમાં નિવૃત્ત 63 વર્ષીય વડીલની ડિસ્પોઝલ બેગમાં કાપો મારી રોકડા રૂા. 1.50 લાખ સેરવી લેવાયા હતા. આ બનાવ અંગે નિવૃત્ત 63 વર્ષીય ધર્મેશભાઇ તુલસીદાસ ચોથાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ નિવૃત્તિના સમયમાં મામાના દીકરા જેકી ઠક્કરની જોલી ઓટો કન્સલ્ટન્ટની ઓફિસ ખાતે બેસે છે. ગત તા. 11/4ના ઓફિસેથી નીકળી બપોરે સવા બાર વાગ્યે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં પત્નીના ખાતામાં  રૂા. 1,50,000 ભરવા લાઇનમાં ઊભા હતા, જેમાં આગળ એક પુરુષ અને પાછળ બે મહિલા ઊભી હતી. કાઉન્ટર પર નાણાં ભરવા બેગ ખોલતાં તેમાં 1.50 લાખનું બંડલ જોવામાં આવ્યું નહીં. આસપાસ તપાસ કરતાં પણ બંડલ ન મળ્યું. કતારમાં પાછળ ઊભેલી બે મહિલા પણ  જોવામાં આવી નહીં. ફરિયાદી ધર્મેશભાઇ પરત ઓફિસે જઇ જેકીભાઇને હકીકત જણાવતાં તેમણે ફરિયાદી ધર્મેશભાઇની બેગ જોતાં તેમાં કોઇ બ્લેડ જેવી વસ્તુથી બેગ કપાયેલી જોવામાં આવી હતી. ધર્મેશભાઇની પાછળ કતારમાં ઊભેલી મહિલાઓએ બેગ કાપીને રૂા. 1.50 લાખ સેરવી લીધાનો તેમને શક-વહેમ હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે ગુનો નોંધી તપાસ પીએસઆઇ આર.એલ. ચૌધરીએ હાથ ધરી છે. તપાસકર્તાને પૂછતાં બેન્ક ચાલુ થાય ત્યારે સીસીટીવી ફૂટેજ જોયા બાદ તે દિશામાં કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd