ભુજ, તા. 13 : મુંદરામાં ખોટા દુષ્કર્મ કેસમાં
ફસાવવાની ધમકી આપી બળજબરીપૂર્વક મકાનના દસ્તાવેજ તથા ગાડી પડાવી લેવાના ખંડણી પ્રકરણમાં
બે આરોપીની ફાયનાન્સ ઓફિસ પર પોલીસે દરોડો પાડતાં શંકાસ્પદ અને વાંધાજનક મુદ્દામાલ-કાગળો
મળ્યા બાદ આ બે આરોપી સામે વ્યાજખોરી સંબંધે ત્રણ ફરિયાદ નોંધાતાં આવા વ્યાજખોરોમાં
ફફડાટ વ્યાપ્યો છે. બીજી તરફ ચારે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ઓફિસના
દરોડા બાદ મળેલા આધારોનાં પગલે સંબંધિતો તેમજ અન્યોને પોલીસે અપીલ કરી હતી કે, વ્યાજખોરી જેવા દૂષણનો જે ભોગ બન્યા છે તે ભય
વિના સામે આવી ફરિયાદ નોંધાવે જેના પ્રત્યાઘાતરૂપે બે કાલે અને આજે એક ફરિયાદ નોંધાઇ
હોવાનું મુંદરાના પી.આઇ. આર. જે. ઠુમ્મરે જણાવ્યું
હતું. આજે મુંદરા પોલીસ મથકે આરોપી મોહંમદ શકીલ યાકુબ ધુઇયા સામે મહિલાએ નોંધાવેલી
ફરિયાદ મુજબ આરોપીએ તેના પતિને રૂા. 10 લાખ મસિક 10 ટકાના વ્યાજે
આપી ફરિયાદીના પતિ પાસેથી વ્યાજ અને મુદ્દલ પેટે કુલ્લે રૂા. 42.60 લાખની પઠાણી ઉઘરાણી કરીને વધુમાં વ્યાજની પેનલ્ટીના રૂા. 2.50 લાખની માગણી કરી ઊંચું વ્યાજ
લઇ ધાકધમકી કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત ગઇકાલે મુંદરા પોલીસ મથકે બારોઇ રોડ
પર રહેતા અભુભખર ઉમર કુંભારે આરોપી શકીલ ધુઇયા અને મહંમદ રફીક ખોજા સામે નોંધાવેલી
ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીને 30 હજાર વીસ
ટકાના વ્યાજે આપ્યા હતા. જેના પેટે 38,500 વસૂલ્યા હતા. ફરિયાદીનો 25 હજારનું ફ્રીઝ, 27 હજારનું ટીવી, 18 હજારનો સામાન
બળજબરીથી કઢાવી લીધો હતો. આ ઉપરાંત ફરિયાદીના 1.90 લાખના મકાનનું લખાણ કરી ધાકધમકી કરીને પાંચ હજારના વ્યાજની ઉઘરાણી
કરી હતી. વધુમાં સાડાઉના પચાણભાઇ ઉગાભાઇ ફફલે ગઇકાલે મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ
મુજબ તેણે આરોપી શકીલ જાકબ ધુઇયા પાસેથી ધંધા અર્થે 15 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા. જેના
વ્યાજ પેટે 35.80 લાખ ચૂકવ્યા છતાં આરોપીએ ફરિયાદી પાસેથી 16.50 લાખની ઉઘરાણી કરી ધાકધમકી કરી હતી. મુંદરા પોલીસે નાણાં ધીરધાર
અધિનિયમ તેમજ અન્ય કલમો તળે ત્રણે ફરિયાદ નોંધી કાર્યવાહી આદરી છે. બીજી તરફ મુંદરા
ખંડણી પ્રકરણના ચારે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયાનું પોલીસે જણાવ્યું છે.