• બુધવાર, 12 માર્ચ, 2025

ખડગેનાં નિવેદન મુદ્દે રાજ્યસભામાં ધમાલ

નવી દિલ્હી, તા. 11 : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદનને પગલે મંગળવારે સંસદમાં ભારે હંગામો મચ્યો હતો. રાજ્યસભામાં જ્યારે શિક્ષણ મંત્રાલયનાં કામકાજ પર ચર્ચા શરૂ થતાં પહેલાં ખડગેએ કહ્યું કે, અમે ચર્ચા કરવા તૈયારી સાથે આવ્યા છીએ અને `ઠોકશું' એવા શબ્દપ્રયોગ કરતાં ભાજપે તેને ઉપસભાપતિનું અપમાન ગણાવ્યું હતું. જો કે, વિવાદ વધતાં બાદમાં ખડગેએ માફી માગી હતી. ડે. ચેરમેને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહને બોલવાનું કહ્યું અને ખડગેને અટકાવ્યા તો ખડગેએ કહ્યું કે શું શું ઠોકવાનું છે, અમે યોગ્ય રીતે ઠોકીશું. તેમના આવા શબ્દોને કારણે ભારે હંગામો મચી ગયો હતો. ડે.ચેરમેન હરિવંશે ખડગેને ટકોર કરી કે, તમે સવારે બોલી ચૂક્યા છો. જેનાં પર ખડગેએ કહ્યું કે આ શું સરમુખત્યારશાહી છે. હું હાથ જોડીને તમારી પાસે બોલવાની મંજૂરી માગી રહ્યો છું, જેના પર ડે. ચેરમેને કહ્યું કે અત્યારે દિગ્વિજયસિંહના બોલવાનો વારો છે, એટલે તમે બેસી જાવ. જેના પર ખડગેએ કહ્યું કે, એ તો બોલશે જ, પરંતુ તમારે શું શું ઠોકવું છે અમે સારી રીતે ઠોકીશું, સરકારને પણ ઠોકીશું જ્યારે હરિવંશે આવાં નિવેદન પર વાંધો ઉઠાવ્યો તો ખડગેએ બચાવ કર્યો કે અમે સરકારની નીતિઓને ઠોકવાની વાત કરી રહ્યા છીએ. ખડગેની આવી વાત પર ગૃહના નેતા કેન્દ્રીયમંત્રી જે.પી.નડ્ડાએ કહ્યું કે, વિપક્ષના નેતા તરફથી આવી વાતનો કોઈ રીતે સ્વીકાર યોગ્ય નથી. તેઓ માફી માગે. આવા શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવામાં આવે ત્યારબાદ ખડગેએ ઊભા થઈને કહ્યું કે, મેં આસન માટે આવા શબ્દોનો ઉપયોગ કર્યો નથી. ઉપસભાપતિને જો મારી વાતથી ઠેસ પહોંચી હોય, તો હું માફી માગું છું. મેં ઠોકો શબ્દનો ઉપયોગ સરકારની નીતિઓ માટે કર્યો હતો. હું સરકારની માફી નહીં માગું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd