નવી દિલ્હી, તા. 7 : દિલ્હી વિધાનસભામાં
સત્તા પરિવર્તનનાં વર્તારા વચ્ચે આવતીકાલ સવારથી જાહેર થનાર ચૂંટણીનાં પરિણામો ઉપર
સમગ્ર દેશની નજર મંડાઈ ગઈ છે. દિલ્હીમાં પ ફેબ્રુઆરીનાં રોજ મતદાન થયું હતું અને મોટાભાગનાં
એક્ઝિટ પોલમાં આમઆદમી પાર્ટીનાં પરાજય અને ભાજપનાં જોરદાર વિજયનાં અનુમાનો લગાડવામાં
આવેલા છે. વિપક્ષે પણ એક્ઝિટ પોલ પછી ફરી એકવાર ચૂંટણીમાં ગોટાળાનાં આક્ષેપો અને આશંકાઓ
વ્યક્ત કરીને રાજકીય માહોલ ગરમાવી દીધો છે.
આવતીકાલે સવારે 8 વાગ્યાથી
મત ગણતરી શરૂ થશે. આનાં માટે સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઈવીએમ 70 સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં
આવ્યા હતાં. 70 વિધાનસભા બેઠકો માટે કુલ 699 ઉમેદવારોએ પોતાની કિસ્મત અજમાવી હતી. જેમાં નવી દિલ્હી સૌથી
ધ્યાનાકર્ષક બેઠક બનેલી છે. અહીં અરવિંદ કેજરીવાલે ભાજપનાં પ્રવેશ વર્મા અને કોંગ્રેસનાં
સંદીપ દીક્ષિત વિરુદ્ધ ચૂંટણી લડી હતી. આ સીવાય દિલ્હીનાં કાર્યકારી મુખ્યમંત્રી આતિશીનો
મુકાબલો કોંગ્રેસનાં અલ્કા લાંબા અને ભાજપનાં રમેશ બિઘૂડી વિરુદ્ધ છે. તેનાં ઉપર પણ
દેશની મીટ મંડાયેલી છે. દિલ્હીમાં કુલ 20 એવી હાઈપ્રોફાઈલ બેઠકો છે જેનાં ઉપર જોરદાર ટક્કર જોવા મળી શકે
છે. આમાં કેજરીવાલની નવીદિલ્હી, જંગપુરા(મનીષ
સિસોદિયા), કાલકાજી(આતિશી), લક્ષ્મીનગર,
પડપડગંજ(અવધ ઓઝા), કિરાડી, શાલીમાર બાગ, કરોલબાગ, રજૌરી ગાર્ડન,
બિજવાસન, આંબેડકર નગર, તુગલકાબાદ,
ત્રિલોકપુરી, નરેલા, સુલ્તાનપુર
માજરા, તિલક નગર, સંગમ વિહાર, કોંડલી, બરાડી, આરકે પુરમ,
બદરપુર, ચાંદની ચોકનો સમાવેશ થાય છે.