• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

અયોધ્યામાં યુવતીની બર્બર હત્યાથી રોષ

નવી દિલ્હી ,તા. 2 : ઉત્તરપ્રદેશમાં અયોધ્યામાં લાપતા બનેલી 22 વર્ષની અનુસૂચિત જાતિની યુવતી કેનાલમાં આપત્તિજનક અવસ્થામાં મૃત મળી આવતાં રાજકારણ ગરમ થયું છે. યુવતીની દુષ્કર્મ બાદ હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમાજવાદી પક્ષના સાંસદ અવધેશ પ્રસાદ માથું કૂટીને રડી પડયા હતા. યુવતીના પરિજનોએ હત્યા કરાયાનો આરોપ લગાવી આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી હતી. વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવે તંત્રને જવાબદાર લેખાવી દોષિતો પર કાર્યવાહીની માંગ કરી છે. લાપતા બનેલી 22 વર્ષીય અનુસૂચિત જાતિની યુવતીનો મૃતદેહ નિર્વત્ર હાલતમાં અયોધ્યામાં તેના ગામની કેનાલમાંથી મળી આવ્યો હતો. યુવતીના પરિવારજનોએ હત્યા કરાયાનો આરોપ લગાવ્યો હતો એમ પોલીસે જણાવ્યું હતું પરિવારજનોએ પોલીસ નિક્રિય રહ્યાનો અને કોઈ પગલાં ન ભર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. સપાના સાંસદ અવધેશ પ્રસાદે રવિવારે આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં મીડિયા સમક્ષ તેઓ જોરશોરથી રડી પડયા અને કહ્યું કે, હે રામ ક્યાં છો ? સીતા માતા ક્યાં છો ? સાંસદે એલાન કર્યું કે, તેઓ આ મામલાને સંસદમાં વડાપ્રધાન મોદી સમક્ષ ઉઠાવશે. તેમણે ચીમકી આપી કે, જો અનુસૂચિત દીકરીને ન્યાય નહીં મળે તો તેઓ રાજીનામું ધરી દેશે. પત્રકાર પરિષદમાં સાંસદ સતત રડતા રહ્યા અને સમર્થકો તેમને શાંત કરવા પ્રયાસ કરતા રહ્યા હતા. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે, અયોધ્યામાં અનુસૂચિત યુવતીની બર્બરતાપૂર્ણ હત્યા શરમજનક અને હૃદયદ્રાવક છે. જઘન્ય રીતે વધુ એક યુવતીની જિંદગીનો અંત આવ્યો છે. ક્યાં સુધી અને કેટલા પરિવારોને આ પ્રકારનું સહન કરવાનું આવશે? કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, અનુસૂચિતો સામેના અત્યાચારો વિરુદ્ધ યુપી સરકાર મૌન છે. સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે સરકાર પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, અયોધ્યામાં ત્રણ દિવસથી લાપતા અનુસૂચિત જાતિના પરિવારની દીકરીનો મૃતદેહ નિર્વત્ર અવસ્થામાં મળ્યો છે. તેની બંને આંખ ફોડવામાં આવી છે. જો એક દિવસ પહેલાં માહિતી મળતા ંજ તંત્રે ધ્યાન આપ્યું હોય તો બાળકીની જિંદગી બચાવી શકાઈ હોત.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd