• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

વકફ અંગે જેપીસી રિપોર્ટ આજે રજૂ થશે

નવીદિલ્હી, તા.2 : વકફ (સંશોધન) વિધેયકની સમીક્ષા માટે રચાયેલી સંસદની સંયુક્ત સમિતિ (જેપીસી)નો રિપોર્ટ આવતીકાલે સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. ત્યારે સમિતિમાં સામેલ ઘણા વિપક્ષી સાંસદોએ આરોપ લગાવ્યો છે કે, તેમની અસહમતીની નોંધને તેમની જાણકારી બહાર જ હટાવી દેવામાં આવી છે. લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ અને સભ્ય સંજય જૈસવાલ સોમવારે લોકસભામાં રિપોર્ટ રજૂ કરશે. સમિતિએ ગુરુવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને રિપોર્ટ સોંપી દીધો હતો. સમિતિએ બુધવારે બહુમતથી અહેવાલને સ્વીકારી લીધો હતો. જેમાં સત્તારુઢ ભાજપનાં સદસ્યોએ સૂચવેલા સુધારાઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિપક્ષે આ સમગ્ર પ્રક્રિયાને વકફ બોર્ડોને નષ્ટ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. વકફ (સંશોધન) વિધેયક પર સંસદની સંયુક્ત સમિતિએ મુસદ્દા કાનૂન પર રિપોર્ટને 15-11 બહુમતીથી સ્વીકાર કર્યો હતો. વિપક્ષી સભ્યોએ આ રિપોર્ટ પર અસહમતી વ્યક્ત કરી છે. સામે  પક્ષે ભાજપના સભ્યોએ ભારપૂર્વક કહ્યું હતું કે, ગયા વર્ષે ઓગસ્ટમાં લોકસભામાં રજૂ કરવામાં આવેલું આ વિધેયક વકફ સંપત્તિઓના સંચાલનમાં આધુનિકતા, પારદર્શિતા અને જવાબદારી લાવવાની વ્યવસ્થા કરે છે. બીજી બાજુ, વિપક્ષે આને મુસ્લિમ સમુદાયના સંવિધાનિક અધિકારો પર હુમલો અને વકફ બોર્ડોની કામકાજમાં દખલગીરી ગણાવ્યું હતું. કાંગ્રસ સાંસદ સૈયદ નસીર હુસૈને કહ્યું હતું કે, તેમણે અસહમતી નોંધ આપી હતી પણ તેને તેમની જાણકારી બહાર જ હટાવી દેવામાં આવી હતી. વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં શુક્રવારે અસદુદ્દીન ઓવૈસીએ પણ આવા જ આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિધેયક પર સંયુક્ત સમિતિની રિપોર્ટ પર તેમની વિસ્તૃત અસહમતી નોંધને સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે જાણ બહાર હટાવી નાખી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd