નવી દિલ્હી, તા. 23 : દેશનાં નાણામંત્રી
નિર્મલા સિતારામન દ્વારા પહેલી ફેબ્રુઆરીના રજૂ થનારાં બજેટમાં દેશના કરદાતાઓને મોટી
રાહત મળી શકે છે. સરકાર 20 લાખ રૂપિયા
સુધીની આવકવાળા કરદાતાઓ માટે વેરામાં છૂટો આપી શકે છે. અત્યારે બે વિકલ્પ પર વિચાર
થઈ રહ્યો છે. પ્રથમ વિકલ્પમાં 10 લાખ રૂપિયા
સુધીની વાર્ષિક આવક સંપૂર્ણ વેરામુક્ત કરવાનો છે. બીજા વિકલ્પ રૂપે 15થી 20 લાખની વાર્ષિક આવકવાળા કરદાતાઓ માટે 25 ટકા વેરાનો નવો સ્લેબ બનાવવા
વિચારાઈ રહ્યું છે. જો કે, આ વેરાછૂટ
નવી વેરા પ્રણાલી હેઠળ આવતા કરદાતાઓને જ આપવાની સરકારની તૈયારી છે. આજની તારીખે 75 હજાર રૂપિયાનાં સ્ટાન્ડર્ડ
ડિડક્શન સાથે પગારદાર કર્મીને 7.15 લાખ રૂપિયા
સુધી આવક પર વેરા ચૂકવવાના હોતા નથી, તો 15 લાખ રૂપિયાની
ઉપર આવકવાળા કરદાતા 30 ટકાના સ્લેબમાં
આવે છે. અત્યારે જે બે વિકલ્પો વિચારણા હેઠળ છે તેનો અમલ થાય તો કેન્દ્ર સરકારની તિજોરીને
50 હજાર કરોડથી એક લાખ કરોડ રૂપિયા
સુધીનું નુકસાન થઈ શકે છે. તજજ્ઞોના મત મુજબ, જીડીપીની ગતી ધીમી છે, ત્યારે આવકવેરામાં વિચારાધીન રાહતો શહેરી માંગમાં વધારો
કરી શકે છે, જે અર્થતંત્રનાં હિતમાં રહેશે.