વોશિંગ્ટન, તા.ર3 : મિત્ર દેશ અમેરિકાએ ભારતને
મોટી મુશ્કેલીમાં મૂકી દીધું છે. સ્વદેશી તેજસ યુદ્ધ જહાજના એન્જિન પહોંચાડવાનું રોકી
અમેરિકાએ ભારતને અધવચ્ચે લટકાવી દીધું છે. અમેરિકી કંપની જીઇએ અચાનક નવી `રોન'
કાઢી એન્જિનની સપ્લાય માટે આનાકાની કરી ભારત પાસે કરારમાં વધુ પ કરોડ
ડોલરની માગ કરી છે. બીજીતરફ એમરિકાએ રશિયા પર લાદેલા તેલ પ્રતિબંધોને લીધે ભારતમાં
પુરવઠા પર પણ વિપરિત અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. ભારત પેટ્રોલિયમે (બીપીસીએલ) જણાવ્યું
હતું કે, માર્ચમાં પુરવઠો પૂરો પાડવા માટે પૂરતો માલ નથી. અમેરિકાએ
દસમી જાન્યુઆરીએ જ રૂસી ઉર્જા ક્ષેત્રો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. ભારતને એફ-16 વિમાન ન વેચનાર અમેરિકા હવે
તેજસ વિમાનના પ્રોજેક્ટમાં ભારત આગળ વધી ન શકે તેવી હરકત કરી રહ્યું છે. ભારતે અમેરિકી
કંપની જીઇ સાથે તેજસ ફાઇટર જેટ માટે જીઇ-414 એન્જિન સપ્લાય માટે ડીલ કરી
હતી પરંતુ અમેરિકી કંપની ઘણા મહિનાથી ભેદી રીતે એન્જિન પુરા પાડતી નથી. જીઇએ બચાવ કર્યો
કે તેને ભાગોની સપ્લાય નથી. કંપનીના આવાં વલણને કારણે તેજસ ફાઇટર જેટ અંગે ભારતની યોજના
ખોરંભે પડી છે. ચીન અને પાકિસ્તાન પાંચમી પેઢીના યુદ્ધ વિમાન બનાવવાની દિશામાં ઘણા
આગળ નીકળી ગયા છે ત્યારે ભારત માટે તેજસ પ્રોજેક્ટમાં મોડું મોટી મુશ્કેલી ઊભી કરી
શકે છે. જીઇની ડાંડાઈ બાદ ભારતથી હિન્દુસ્તાન એરોનોટિકસની એક ટીમ અમેરિકા જવાની છે.
જ્યાં ભારતીય દળ કંપની સાથે એન્જિન પુરા પાડવા મુદ્દે વાતચીત કરશે. ભારતને તેજસ વિમાન
માટે જે એન્જિનની જરૂર છે તે માટે અમેરિકી કંપનીએ વધુ નાણાંની માગ કરી છે. ભારત અને
અમેરિકા વચ્ચે વર્ષ ર0ર3ની સ્થિતિએ 1 અબજ ડોલરની સમજૂતી થઈ હતી. એન્જિન સપ્લાય
અટકી જતાં ભારતના મિરાજ, જેગુઆર અને
મિગ વિમાનને બદલવાની યોજના પાછી ઠેલાઈ શકે છે.