• સોમવાર, 20 જાન્યુઆરી, 2025

માસાંતે સ્થાનિક ચૂંટણીની ઘોષણા થઇ શકે

પ્રકાશ જ્હા દ્વારા : ગાંધીનગર, તા. 18 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેની સામાન્ય ચૂંટણીઓ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં જાહેર થાય તેવા સ્પષ્ટ સંકેત સચિવાલયના સૂત્રોમાંથી મળી રહે છે મળતી વિગતો પ્રમાણે આગામી સપ્તાહના પ્રારંભે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે અને ત્યારબાદ તેના એક સપ્તાહ બાદ ચૂંટણી અંગેની જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવે તે અંગે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણીપંચની ગઈકાલે એક અગત્યની બેઠક મળી હતી, જેમાં શહેરી વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજવાને લઇ ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત મતદારયાદીની જે પ્રાથમિક પ્રસિદ્ધિ અગાઉ ડિસેમ્બરમાં થઈ હતી તેના મળેલા વાંધા-સૂચનો અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી, ત્યારબાદ જિલ્લાઓના તંત્રને આગામી સપ્તાહમાં મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. છઠ્ઠી જાન્યુઆરીએ ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલ મતદારયાદીમાં જે નામો ઉમેરવાના થાય છે તેની પુરવણી યાદી તૈયાર કરી અને તૈયારીઓને વેગીલી બનાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ અંગેનો ડેટા મળતાં હજુ એકાદ સપ્તાહ જશે, તેવું જણાવતા આ સૂત્રો કહે છે કે, જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં ચૂંટણીપંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરી શકે છે. આ સૂત્રોના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીના અંત પહેલાં ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ કરી શકાય તે રીતે આખો કાર્યક્રમ તૈયાર કરી દેવામાં આવેલો છે. આ સૂત્રો જણાવે છે કે, પ્રથમ તબક્કામાં જૂનાગઢ મહાનગરપાલિકા-73 જેટલી નગરપાલિકા અને 16 બેઠકની પેટાચૂંટણી યોજવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્રણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટાચૂંટણી યોજવી કે કેમ તે અંગેનો નિર્ણય પણ આગામી સપ્તાહમાં કરી દેવામાં આવે તેવા સંકેતો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ તો ડિસેમ્બરમાં જાહેર થવાની હતી, પરંતુ તે અટકી ગઈ છે અને હવે તે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં જાહેર કરવામાં આવે તેમ મનાઈ રહ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd