• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

કાશ્મીરમાં જવાન શહીદ, પાંચ આતંકી ઠાર

શ્રીનગર, તા. 6 : જમ્મુ-કાશ્મીરનાં કુલગામનાં મોદરગામ અને ચિન્નીગામ વિસ્તારમાં સુરક્ષાદળોની સંયુક્ત ટુકડી અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં સેનાના એક જવાને બલિદાન પણ આપ્યું છે. તો અન્ય એક જવાન ઘવાયો હતો. ઈજાગ્રસ્ત જવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યો છે. ચિન્ની ગામમાં પાંચ આતંકી ઠાર થયા હતા. જો કે, હજુ સુધી ચાર આતંકવાદીના મૃતદેહની પુષ્ટિ કરવામાં આવી હતી. મોડી રાત્રે પણ અથડામણ ચાલુ હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. માર્યા ગયેલા હિઝબુલ મુજાહીદ્દીનનો ડિવિઝનલ કમાન્ડર ફારૂક નલ્લી પણ સામેલ હોવાનું જણાવાયું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર કુલગામનાં મોદરગામ અને ચિન્નીગામ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની ગુપ્તચર બાતમી મળી હતી. ત્યારબાદ આ વિસ્તારને ઘેરીને સુરક્ષાદળોએ તપાસ અભિયાન ઉપાડી લીધું હતું. આ દરમિયાન ઘેરાઈ ગયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો ઉપર ગોળીબાર શરૂ કરી દીધા હતા. કહેવાય છે કે, બેથી ત્રણ જેટલા આતંકવાદીને ઘેરી લેવાયા હતા. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટમાં જણાવ્યું કે, કુલગામ જિલ્લાના ફિસલ ચિન્નીગામ ક્ષેત્રમાં અથડામણ દરમ્યાન પાંચ આતંકવાદી ઠાર મરાયા હતા, જેમાંથી ચારના મૃતદેહ મળ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang