• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

23મીએ કેન્દ્રીય બજેટ ; નિર્મલા રચશે ઈતિહાસ

નવી દિલ્હી, તા. 6 (અમારા પ્રતિનિધિ તરફથી) : નાણાપ્રધાન નિર્મલા સિતારામન 23 જુલાઈના વર્ષ 2024-25નું બજેટ પ્રસ્તુત કરશે, એમ કેન્દ્રના સંસદીય કાર્યપ્રધાન કિરણ રિજિજૂએ જણાવ્યું હતું. એક્સ પર ટ્વીટમાં રિજિજૂએ જાણકારી આપી હતી કે, સંસદનું બજેટ અધિવેશન 22 જુલાઇથી 12 ઓગસ્ટ સુધીનું રહેશે. ટ્વીટ મારફત રિજિજૂએ જણાવ્યું હતું કે, ભારત સરકારની ભલામણ પ્રમાણે રાષ્ટ્રપતિએ સંસદનાં બંને ગૃહને બજેટ અધિવેશન માટે 22 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી બહાલી આપી છે. દરમ્યાન 23 જુલાઇના કેન્દ્રીય બજેટ રજૂ થશે. બજેટમાં મધ્યમ વર્ગને કંઇક રાહત મળે તેવી અપેક્ષા છે. જો કે, સરકારનું ધ્યાન માળખાકીય બાબતો અને ઊર્જા ક્ષેત્ર પર રહે તેવી પણ શક્યતા છે. અગાઉ લોકસભાની ચૂંટણી પહેલાં પહેલી ફેબ્રુઆરીના સિતારામને નાણાકીય વર્ષ 2024 માટે લેખાનુદાન (વચગાળાનું બજેટ) રજૂ કર્યું હતું. 23 જુલાઈના આગામી બજેટ સાથે સિતારામનના નામે પૂર્ણ બજેટ અને એક લેખાનુદાન મળી દેશનું સતત સાતમું બજેટ  રજૂ કરવાનો ઇતિહાસ રચાશે. પહેલાં મોરારજી દેસાઇએ સતત બજેટ રજૂ કર્યાં હતાં. કેન્દ્રમાં સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી સરકારે ગત 12 જૂને શપથ લીધા એમાં સિતારામનને ફરીથી નાણાપ્રધાન બનાવાયાં છે, મોદી સરકાર 2.0માં પણ સિતારામન (2019-24) નાણાપ્રધાન રહી ચૂક્યાં છે. મોદી 3.0નું બજેટ વિકસિત ભારત કેન્દ્રીય હશે. સિતારામને જણાવ્યું હતું કે, સરકાર લોકોનાં જીવનધોરણ સુધારવા પ્રયાસરત છે અને અગાઉની બે મોદી સરકારની નીતિઓને આગળ વધારશે. વર્ષના બજેટમાં મધ્યમ વર્ગને કરમાળખાંમાં છૂટછાટ, મહિલા સશક્તિકરણ, કિસાનોની આવક વધારવા અને રોજગાર નિર્માણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાય તેવી સંભાવના છે. કર્મચારી વર્ગ અંદાજપત્ર પર મીટ માંડીને બેઠો છે અને સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50,000 રૂા.થી વધારીને રૂા. 1,00,000 કરવામાં આવી શકે છે. ઉપરાંત સંરક્ષણ, રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પુન: પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં પણ અનેક ઘોષણા થવાની શક્યતા છે. સ્ટાર્ટઅપ પર લગાવવામાં આવતા એંજલ ટેક્સ પર ઘટાડાની જાહેરાત થઇ શકે છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (આઇબીસી) 2.0માં સંશોધન આવી શકે છે. આંધ્રપ્રદેશને એક લાખ કરોડનું વિશેષ પેકેજ મળી શકે છે. નિર્મલા સીતારામન 23 જુલાઇએ બજેટ રજૂ કરતાંવેંત સતત સાતમી વખત બજેટ રજૂ કરનારાં દેશનાં પહેલાં નાણામંત્રી બનશે. પહેલાં મોરારજી દેસાઇએ સતત બજેટ રજૂ કર્યાં હતાં. જો કે, મોરારજીભાઇએ સૌથી વધુ 10 બજેટ રજૂ કર્યાં હતાં, પછી પી. ચિદમ્બરમ્ અને પ્રણવ મુખર્જીએ નવ-નવ વખત, યશવંતરાવ ચવ્હાણ, સી.ડી. દેશમુખ અને યશવંત સિંહાએ સાત-સાત વખત બજેટ રજૂ કર્યાં હતાં. ડો. મનમોહનસિંહ અને ટી. ક્રિશ્નમચારી - વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang