ગાંધીધામ, તા. 25 : રાપરના આડેસરમાં સરકારે તળાવડીમાં મશીન રાખવા મુદ્દે ઉશ્કેરાયેલા 23 શખ્સોએ ધારિયા, તલવાર, ધોકા અને પાઈપ
વડે હુમલો કરતાં યુવાન ધારાશાસ્ત્રી અને તેના પિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વરણુ ગામમાં
રહી રાપરમાં વકીલાત કરનાર ભાવેશ કાશીરામ મારાજ નામના યુવાને આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી
હતી. ફરિયાદી ગત તા.23/11ના અરસામાં
પોતાના ખેતરે હતો ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો જેમાં આ શખ્સે ધાકધમકી, ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
યુવાને સરકારી તળાવડીમાં મશીન મૂક્યું હતું ત્યાં સીસીટીવી લગાવ્યા હતા તે મોબાઈલમાં
જોતાં અમુક શખ્સોએ કેમેરા તોડી નાખી મશીનને તળાવડીમાં ફેંકી દીધું હતું. તેવામાં આ
યુવાને 112માં ફોન કરતાં તે આવી જતાં
તેમાં સવાર પોલીસકર્મીને રેકોર્ડિંગ સંભળાવ્યું હતું અને અજાણ્યા શખ્સના નંબર આપતાં
તે શખ્સ દલા આયર હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદી તથા તેના પિતા આડેસર
પોલીસ મથકે આવી અરજી કરી હતી જેની કોપી ઝેરોક્ષ કઢાવવા પિતા-પુત્ર ગામમાં જઈ રહ્યા
હતા ત્યારે સામેથી આરોપીઓ ભરત નોઘા આયર, દલા નોઘા આયર, હાજા નોઘા આયર, દયાલ
કોળી, નરસી ખેંગા કોળી, શૈલેશ કોળી,
ખુમાણ ખોડા, નોંઘા ખોડા આયર, બાબુ દેવદાન, રામા
બાબુ, ભીમા બાબુ, રાણા વિરમા, ભચા વિરમાનો પુત્ર, ખુમાણ પુના, શક્તિ ખુમાણ આયર, ભગા લાલા, ભીમા
લાલા આયર, રાણા લાલા આયર, દલા આયર,
જીવણ માદેવા, ભોજા માદેવા, કરશન માદેવા નામના શખ્સો તલવાર, લાકડી, કુહાડી, ધારિયું, ધોકા,
પાઈપ જેવા પ્રાણઘાતક હથિયારો સાથે આવ્યા હતા અને આ પિતા-પુત્ર ઉપર હુમલો
કર્યો હતો, જેમાં ઘવાયેલા બંનેને પ્રથમ પલાંસવા બાદમાં વધુ સારવાર
અર્થે ધારપુર અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ફરિયાદીના પિતા
કાશીરામને બંને પગમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. સરકારી તળાવડીમાં સિંચાઈ વિભાગની
મંજૂરીથી મશીન મૂકવા તથા જૂની ફરિયાદનું મનદુ:ખ રાખીને આ હુમલો કરાયો હતો. બનાવ અંગે
પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.