ભુજ, તા. 25 : અબડાસા અને માંડવી વિસ્તારમાં
કાર્યરત વિવિધ આઠ સહકારી મંડળીને સંલગ્ન ચકચારી ફોજદારી કેસના મામલામાં રાજ્યની વડી
અદાલતે આ પ્રકરણમાં નલિયાની કોર્ટે કરેલા હુકમને
રદ કર્યો છે, તો આ તમામ આઠ મંડળી દ્વારા
કરવામાં આવેલી ફરિયાદ ફરીથી દાખલ કરી જે ખેડૂતોએ લોનની રકમની ભરપાઈ કરી નથી તેમની સામે
જરૂરી કાયદેસર કાર્યવાહી સાથે પગલાં લેવાનો આદેશ કરાયો છે. અબડાસા તાલુકા બચત ધિરાણ
મંડળી લિ., ભાવેશ સેવા સહકારી મંડળી લિ., ભોજાય સેવા સહકારી મંડળી લિ., ભૂમિકા સેવા સહકારી મંડળી
લિ., સોનલ સેવા સહકારી મંડળી લિ., ભોંભડિયા
સેવા સહકારી મંડળી લિ., કોકલિયા સેવા સહકારી મંડળી લિ. અને મોડકૂબા
સેવા સહકારી મંડળી લિ.ના મંત્રીઓ દ્વારા જે તે સમયે લોન ન ભરનારા ખેડૂતો સામે આ ફરિયાદ
દાખલ કરાઈ હતી. જે ચર્ચાસ્પદ મામલામાં હાઈકોર્ટ દ્વારા આ હુકમ કરાયો છે. આ પ્રકરણમાં
અબડાસા અને માંડવી તાલુકાની આ આઠ મંડળી દ્વારા તેમના સભાસદ એવા ખેડૂતોને કચ્છ જિલ્લા
મધ્યસ્થ સહકારી બેંક પાસેથી મેળવીને પાક ધિરાણ લોન આપી હતી, પણ
ખેડૂતો દ્વારા મંડળીઓને ધિરાણનું ચૂકવણુ ન કરાતા મંડળીઓ દ્વારા કાયદાકીય નોટિસો અપાઈ
હતી. આમ છતાં લોન ન ભરાતાં અને ખેડૂતો દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરી વિશ્વાસઘાત કરાયો
હોવાનું જણાતા નલિયા કોર્ટમાં મંડળીઓ દ્વારા ફરિયાદ કરાઈ હતી, જેમાં અદાલતે એફ.આઈ.આઈ. નોંઘવા સાથે તપાસનો આદેશ કર્યો હતો. દરમ્યાન તપાસકર્તા
દ્વારા આ પ્રકરણમાં મંડળીઓએ કરેલી ફરિયાદ અન્વયે કોઈ ગુનો બનતો ન હોવાનો અભિપ્રાય તપાસનીશ
એજન્સી સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા અપાયા પછી નલિયાની અદાલતે મંડળીઓની ફરિયાદો રદ કરવાનો
હુકમ 2018માં કર્યો હતો. આ આદેશને હાઈકોર્ટમાં
પડકારાતા સુનવણીના અંતે મંડળીઓ તરફે ચુકાદો આપી નલિયા કોર્ટનો આદેશ રદ કરાયો હતો અને
તાત્કાલિક તપાસ કરીને અહેવાલ આપવા હુકમ કરાયો હતો. આ સુનવણીમાં હાઈકોર્ટ સમક્ષ મંડળીઓ
વતી વકીલ તરીકે કૃતિબેન શાહ સાથે સ્થાનિકેથી અમિત એ. ઠક્કર તેમજ નલીયાના એ.એચ. લોધ્રા
હાજર રહ્યા હતા.