ભુજ, તા. 25 : સાડા છ વર્ષ પૂર્વે ગુજરાત
એ.ટી.એસ.એ બાતમીનાં પગલે માંડવી-કોડાય માર્ગે બે ઇસમને હેરોઇનના જથ્થા સાથે ઝડપ્યા
બાદ પૂછતાછમાં આ જથ્થો આપનારને પણ ઝડપી લેવાયો હતો. 97.60 લાખના આ બ્રાઉન સુગર હેરોઇનના
ચકચારી બનાવમાં આ કામના ત્રણે આરોપી નાદીર હુસૈન રાજા અબ્દુલસતાર સમેજા (રહે. માંડવી), ઉમર હુસૈન વાઘેર (રહે. કાઠડા, તા. માંડવી) અને ઇમરાન અબ્દુલકાદર મણિયાર (રહે. માંડવી)ને 20-20 વર્ષની કેદ તથા બે લાખનો દંડ
ફટકારતો ધાક બેસાડતો ચુકાદો ભુજની અધિક સેશન્સ કોર્ટે આપ્યો હતો. નશીલા પદાર્થના સેવનથી
યુવાનોની જિંદગી બરબાદ થઇ રહી છે ત્યારે આવા નશીલા પદાર્થોના ગેરકાયદેના કારોબારીઓને
નસિયત પહોંચાડતા આ કેસની સિલસિલાવાર વિગતો એવી છે કે ગુજરાત એ.ટી.એસ.ને બાતમી મળતાં
વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મળેલી સૂચના મુજબ પી.આઇ. વી. આર. મલ્હોત્રાની આગેવાનીમાં પી.આઇ.
એન.એલ. દેસાઇ, પી.એસ.આઇ. જે.બી. અગ્રાવત, એચ.એમ. વ્યાસ
તથા એ.ટી.એસ.ની ટીમ ગત તા. 28/8/19ના માંડવીથી કોડાય ત્રણ રસ્તા પરથી બાઇક પર સવાર નાદીર તથા ઉમરને
દબોચી તેની પાસેના 976 ગ્રામ બ્રાઉન
સુગર / હેરોઇનનો જથ્થો જેની બજાર કિંમત રૂા. 97,60,000 ઝડપી પાડયો હતો. આ જથ્થો તેઓને માંડવીના ઇમરાને આપ્યાનું જણાવતાં
પી.આઇ. એમ. સી. નાયકની આગેવાનીમાં ટીમે ઇમરાનની
અટકાયત કરી હતી અને ઇમરાનના માસી અફસાના મણિયારના મકાનમાંથી 965 ગ્રામ હેરોઇન કબજે કરાયું હતું.
આ કેસની તપાસ પી.આઇ. એચ. પાલિયાને સોંપવામાં આવતાં હે.કો. હિતેન્દ્ર દત્ત અને કો. રણધીરસિંહ
વાઘેલાની મદદથી સઘન તપાસ કરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમ્યાન
ઝડપી અને અસરકારક કાર્યવાહી થાય તે માટે ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ
પી.આઇ. એ.ડી. પરમાર, એ.એસ.આઇ. કંદર્પ ગઢવી અને હે.કો. અતુલ મિશ્રા
દ્વારા સતત નિરીક્ષણ રાખવામાં આવતું હતું. અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીની
ધારદાર દલીલોના અનુસંધાને અધિક સેશન્સ કોર્ટના જજ વિરાટ અશોકભાઇ બુદ્ધે આ કેસના ત્રણે
આરોપીને તકસીરવાન ઠેરવી 20-20 વર્ષની કેદ
તથા બે-બે લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે-બે વર્ષની સજા ફટકારીને નસિયત આપતો
ચુકાદો આપ્યો છે. - દ્વારકાથી ઝડપાયેલા આરોપી પાસેથી લિંક મળી ? : આ સફળ દરોડા પૂર્વે દેવભૂમિ દ્વારકા પાસેથી
એક આરોપીને પોલીસે ઝડપી પૂછતાછ કરતાં કચ્છના માંડવી બાજુ બ્રાઉન સુગરનો જથ્થો હોવાની
અને તેના વેચાણની પેરવીમાં હોવાની વિગતો મળી હોવાનું પણ અંતરંગ વર્તુળો પાસેથી જાણવા
મળ્યું હતું. - ઉમર દરિયો ખેડતો... : કાઠડાનો ઉમર વાઘેર માંડવીના સાગરકાંઠે-દરિયામાં
બોટમાં મજૂરીનું તથા બોટ ચલાવવાના કામ સાથે સંકળાયેલા હોવાનું જે-તે સમયે જ સામે આવ્યું
હતું. આમ આ જથ્થાની ઘૂસણખોરી દરિયાઇ સીમાએથી થયાના તર્ક-વિતર્ક બનાવ સમયે થયા હતા.