ભુજ, તા. 25 : નાની ખાખરની વાડીમાંથી સિમેન્ટના
વેપલાનો પર્દાફાશ કોડાય પોલીસે કર્યો છે. સિમેન્ટ કંપનીમાંથી પાર્ટીને મોકલાયેલો માલ
પાર્ટી પાસે ઓછો ઠાલવી બાકીનો માલ અહીં સિમેન્ટની બોરીઓમાં ભરી બજાર કિંમત કરતાં ઓછા
ભાવે વેચી મરાતો હતો. પોલીસે 75 લાખના વાહનો
તથા 20 હજારની 147 સિમેન્ટની થેલી અને વજનકાંટા
સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે કોડાય પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ પેટ્રોલિંગ
દરમ્યાન એ.એસ.આઈ. પ્રવીણભાઈ પરમારને બાતમી મળી કે,
નાની ખાખરના આશાબાપીરની દરગાહ પાસે આવેલી વાડીમાં ગેરકાયદેસર રીતે બલ્કર
વાહનોમાંથી સિમેન્ટ કાઢી ખાલી સિમેન્ટની બોરીઓમાં ભરી તેને ટ્રેક્ટર દ્વારા સગેવગે
કરવાની પ્રવૃત્તિ ચાલુ છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આ વેપલાની પ્રવૃત્તિ
ચાલુ હતી. દરોડા દરમ્યાન સહેજાદ જાકીરહુસેન મેવ, દેવીલાલ રાયમલ
ગુજર (મૂળ રાજસ્થાન, હાલ ગાંધીધામ) અને શંકર રામજી સંઘાર (બિદડા),
અબ્દુલ કરીમ ઈલિયાસ સમેજા, જયેશ કાળુભાઈ નાયક
(રહે. બન્ને નાની ખાખર) બે બલ્કર અને એક ટ્રેકટર ટ્રોલી અને સિમેન્ટની 147 થેલીઓ સાથે મળી આવ્યા હતા.
આ મુદ્દામાલ બાબતે ઈસમો પાસે કોઈ આધાર-પુરાવા ન હોતાં બે બલ્કર કિં. રૂા. 70 લાખ, એક ટ્રેકટર ટ્રોલી સાથે કિં. રૂા. પાંચ લાખ
અને 20,050ની 147 સિમેન્ટની થેલીઓ તથા રૂા. 10 હજારનો વજનકાંટો એમ કુલે રૂા.
75,27,050નો મુદ્દામાલ જપ્ત કરી પાંચ
ઈસમની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ
છેલ્લા એકાદ સપ્તાહથી આ પ્રવૃત્તિ ચાલી રહી હતી. આરોપીઓ સિમેન્ટ કંપનીમાંથી સિમેન્ટ
બલ્કરમાં ભરી પાર્ટીને ઠાલવવા જતા હતા અને ત્યાં પૂરે-પૂરો માલ ન ઠાલવી થોડો-ઘણો બલ્કરમાં
જ રહેવા દેતા હતા અને બલ્કર ફરી સિમેન્ટ કંપનીમાં સિમેન્ટ ભરવા જાય તે પૂર્વે બલ્કરમાં
રાખી દીધેલો આ માલ આ રીતે સિમેન્ટની બોરીઓમાં ભરી ઓછા ભાવે વેચી મારતા હતા. આ કામગીરીમાં
કોડાય પોલીસ મથકના પી.આઈ. એચ. એમ. વાઘેલા, એ. એસ. આઈ. પ્રવીણભાઈ, પ્રો. એ. એસ. આઈ. ડાયાભાઈ ગઢેરા,
હે. કો. લક્ષ્મણભાઈ ગઢવી, કોન્સ. વીરદેવસિંહ ઝાલા,
પીયૂષકુમાર ચાવડા જોડાયા હતા.