ભુજ, તા. 24 : મુંદરામાં આવેલા બે બંધ મકાનમાં
ત્રાટકેલા ચોર ઈસમોએ સોનાં-ચાંદીના દાગીના સહિત 1,28,000ની ચોરી કરી હોવાની ફરિયાદ મુંદરા પોલીસ મથકના ચોપડે નોંધાઈ
હતી. મુંદરાની સમુદ્ર ટાઉનશિપમાં રહેતા અને ખાનગી નોકરી કરતા મૂળ મધ્યપ્રદેશના ફરિયાદી
પ્રશાંતકુમાર અશોકકુમાર આગાર વતનમાં ગયા હતા અને પાછળથી ચોર ટોળકીએ ખાતર પાડયું હતું.
પોલીસે આપેલી માહિતી મુજબ, ફરિયાદીના
પડોશીઓએ વીડિયો કોલ મારફતે જાણ કરી હતી કે, તેમના તથા અન્ય એક
મકાનના તાળાં તૂટેલાં છે, જેમાં સામાન વેરવિખેર પડયો છે. બનાવની
જાણ થતાં તાત્કાલિક ઘરે પરત આવેલા ફરિયાદીએ તપાસ કરતાં સોનાં-ચાંદીના દાગીના તથા રોકડા
રૂા. 18,000 મળી કુલ રૂા. 63,500ની ચોરી થઈ હોવાનું જણાયું
હતું, જ્યારે બાજુમાં આવેલા તાલુરી વેન્કટ સત્ય શાહી
શિવા સંતોષકુમારના મકાનમાંથી પણ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂા. 64,500નો મુદ્દામાલ ચોરાયો હતો. આ
બનાવ અંગે મુંદરા પોલીસે ફરિયાદ નોંધી ચોર ટોળકીને પકડવાની તજવીજ હાથ ધરી છે.