• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

મુદ્દો પ્રદૂષણનો, વિવાદ ધાર્મિક-રાજકીય

એ વાત તો સદંતર સાચી છે કે, ખુદને સેક્યુલર ગણાવતા લોકો અમુક વખતે મૌન સેવીને હિન્દુ ધર્મના તહેવારો પહેલાં ધ્વનિ પ્રદૂષણથી લઈને પર્યાવરણની હાનિ, દૂધ-ઘીના વેડફાટથી લઈને જીવદયા સહિતના કંઈ કેટલાય વાંધાવચકા ઉઠાવે છે. આ સાથે એ મુદ્દો પણ એટલો જ સાચો છે કે, તહેવારોને કારણે કોઈકની કનડગત ન થાય કે પ્રકૃતિને નુકસાન ન પહોંચે એની તકેદારી રાખવી ઘટે. હાલમાં જ અભિનેત્રી દિયા મિર્ઝાએ ફટાકડા ફોડવાને કારણે થતાં વાયુ-ધ્વનિ પ્રદૂષણ વિશે એક વીડિયો પોસ્ટ કર્યો, જે મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના પર્યાવરણ અનુકૂળ દિવાળી અભિયાનનો ભાગ હતો, પણ તેના પગલે રાજકીય વિવાદ થતાં આ વીડિયો હટાવી લીધો તેના કારણે બમણો ઊહાપોહ થયો. બોમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેએ આ મુદ્દાની સ્યુઓ મોટો નોંધ લઈ બીએમસીનો કાન આમળતાં આ વીડિયો ફરી અપલોડ કરાયો છે. મુંબઈમાં ફટાકડાને કારણે થતાં પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે લોકોમાં જાગરૂકતા લાવવા સેલિબ્રિટીઝને સાંકળતી ઝુંબેશ શરૂ કરવાના નિર્દેશ બોમ્બે હાઈકોર્ટે જ બીએમસીને આપ્યા હતા, તેના ભાગરૂપે આ વીડિયો પાલિકાએ મૂક્યો હતો. જો કે, બીએમસી મેયર રિતુ તાવડે તથા ભાજપના મુંબઈ પ્રદેશાધ્યક્ષ અમિત તાવડેના વિરોધ પછી આ વીડિયો હટાવી લેવાયો હતો. જો કે, આ જ ઝુંબેશના ભાગરૂપે મુકાયેલા ક્રિકેટર આજિંક્ય રહાણે તથા અભિનેત્રી માધુરી દીક્ષિત અને નિશિગંધા વાડના વીડિયો યથાવત્ છે. દિયા મિર્ઝાના આ વીડિયો પછી તેના વિરુદ્ધ થયેલી ટિપ્પણીઓને વખોડી કાઢતાં ઉચ્ચ અદાલતે કહ્યું હતું કે, આ કેવી તુચ્છ માનસિકતા છે અને જ્યાં તર્કનો અંત આવી જાય છે ત્યાં અપમાન અને આરોપોની ભાષા શરૂ થઈ જાય છે, અસહમતીને સારી ભાષામાં પણ વ્યક્ત કરી શકાય છે. મુંબઈ તથા દેશનાં અનેક શહેરોમાં વાયુ પ્રદૂષણ ગંભીર સમસ્યા બની રહી છે. જો કે, આ આખા મામલામાં બીએમસીની વહીવટી પાંખ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેનો સંઘર્ષ વધુ એકવાર સપાટી પર આવ્યો છે. પાલિકાએ દિયા મિર્ઝાનો વીડિયો સોશિયલ મીડિયા પર તથા સર્વત્ર વહેતો કર્યો એ પછી મેયર રિતુ તાવડેએ પત્રકાર પરિષદ બોલાવી કહ્યું કે, મારી સાથે ચર્ચા કર્યા વિના પાલિકા સત્તાવાળાઓએ દિયા મિર્ઝાને આ અભિયાનમાં સાંકળી છે. આવા અભિયાન માટે કોઈ સેલિબ્રિટીને નીમતાં પહેલાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અભિપ્રાય વહીવટી પાંખે લેવો જોઈએ. છેલ્લા થોડા સમયમાં આ બીજીવાર એવું થયું છે, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી પાંખ સામસામે છે. ગત સપ્ટેમ્બરમાં 14 ફૂટથી વધુ ઊંચાઈના ગેરકાયદે માળખાં તોડી પાડવાની જાહેરાત પાલિકાએ કરી હતી, ત્યારે પણ આવી જ બૂમ પડી હતી. મામલાએ અત્યારે તો રાજકીય-ધાર્મિક રંગ પકડી લીધો છે. જો કે, મૂળ મુદ્દો પ્રદૂષણનો છે, જે અત્યારે તો કોરાણે રહી ગયો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd