નવી દિલ્હી, તા. 4 : દેશની ત્રણેય
સેનામાં તૈનાત લગભગ 3.18 લાખ અગ્નિવીરો
માટે દિવાળી પહેલાં ભેટ સમાન સમાચાર મળ્યા છે. અગ્નિવીરો હવેથી ચારનાં સ્થાને છ વર્ષ
નોકરી કરી શકશે. ત્યાર પછી પણ સેનામાં રહેવા ઈચ્છતા હોય, તો પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને
પાસ થશે તો પરમેનન્ટ કમિશન મળશે. આમ, હવેથી અગ્નિવીરો કાયમી સૈનિક
બની શકશે, તેવું મોટું એલાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ
એન. એસ. રાજા સુબ્રમણિએ બુધવારે કર્યું હતું. બે વર્ષની વધારાની નોકરીમાં અગ્નિવીરોને
પહેલાં ચાર વર્ષ કરતાં વધારે પગાર અને ભથ્થાં મળશે. જૂન 2022માં શરૂ કરાયેલી અગ્નિપથ યોજના
હેઠળ માત્ર ચાર વર્ષ માટે ભરતી કરાતી હતી. જેમાં ચાર વર્ષ બાદ વધુમાં વધુ 25 ટકા અગ્નિવીરોને સેનામાં સામેલ
કરવાની જોગવાઈ હતી. બાકીના 75 ટકાને સેવામુક્ત
કરવાના હતા. નવી વ્યવસ્થા હેઠળ 75 ટકાને બદલે
વધુ નોકરી અને પછી પસંદગીના આધારે સેનમાં કાયમી
નોકરી પણ મળી શકશે. વરિષ્ઠ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નિર્ણય દર્શાવે છે કે, સૈન્ય દળો અગ્નિવીરોનાં યોગદાનને મહત્ત્વ આપે છે અને તેમની સેવાની જરૂરિયાત
અનુભવે છે. ખાસ વાત એ છે કે, સેવા લંબાવવી કે નહીં તેનો અંતિમ
નિર્ણય સંપૂર્ણપણે સંબંધિત અગ્નિવીરની પોતાની મરજી પર નિર્ભર રહેશે. સરકાર પસંદગીના
અગ્નિવીરોને બે વર્ષનો કાર્યકાળ લંબાવી આપશે. આ એવા અગ્નિવીરો હશે જેમને નિયમિત કેડરમાં
તાત્કાલિક સામેલ નહીં કરવામાં આવે. હાલમાં અગ્નિવીરોને ચાર વર્ષનો સેવાકાળ મળે છે,
જેના બાદ ફક્ત 25 ટકાને નિયમિત કેડરમાં રાખવામાં આવે છે. જો કે, હવેથી બાકીના 75 ટકાને નોકરીના બે વર્ષના વિસ્તરણનો
ફાયદો મળશે.આ નિર્ણય એવા સમયે લેવાયો છે, જ્યારે ભારતીય આર્મી, નેવી અને એરફોર્સ નવેમ્બરના મધ્યથી
તબક્કાવાર રીતે તેમની પ્રથમ બેચના 75 ટકા અગ્નિવીરોને મુક્ત કરવાની તૈયારી કરી રહ્યા હતા. ચાર વર્ષનો
કાર્યકાળ પૂરો કર્યા બાદ 31 ડિસેમ્બર
સુધીમાં આશરે 18,300 અગ્નિવીર સૈન્ય સેવામાંથી બહાર
થવાના હતા. પ્રથમ રાઉન્ડમાં આ ત્રણેય પાંખોમાં કુલ 24,400 અગ્નિવીરોની ભરતી કરવામાં આવી હતી, જેમાં આર્મીમાં 19,000 એરફોર્સમાં 2850 અને નેવીમાં 2550 સૈનિકો સામેલ હતા. જૂન 2022માં એનડીએ સરકાર દ્વારા ભારતીય
સેનાને વધુ યુવાન અને યુદ્ધ-સજ્જ રાખવાના હેતુથી અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી હતી.
આ નીતિ હેઠળ સૈનિકોની ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવે છે અને તેમાંથી માત્ર 25 ટકા અગ્નિવીરોને જ આગળના 15 વર્ષ માટે સેનામાં કાયમી રાખવાની
જોગવાઈ હતી. જો કે, ત્રણેય સૈન્ય
દળોએ અગ્નિવીરોના પ્રદર્શન અને વિવિધ ભૂમિકાઓમાં તેમની ક્ષમતા પર સંપૂર્ણ સંતોષ વ્યક્ત
કર્યો છે.