• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

રાજ્યના કર્મીઓને ડીએ વધારાની દિવાળી ભેટ

અમદાવાદ, તા. 4 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. મોંઘવારી ભથ્થામાં આ વધારાનો લાભ 1લી, જુલાઈ, 2026થી અમલી બનશે. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવાના, પંચાયત સેવાના તથા અન્ય સંસ્થાઓના કુલ 4.62 લાખ કર્મયોગીઓ અને અંદાજે 5.07 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ મળીને કુલ 9.69 લાખથી વધુ પરિવારોને લાભ મળશે. જુલાઈ 2026થી ઓક્ટોબર 2026 સુધીના 4 માસની તફાવતની રકમ એક જ  હપ્તામાં ચૂકવવામાં આવશે. આ એરિયર્સની રકમ નવેમ્બર-2026ના પગાર સાથે કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં જમા કરી દેવાશે.કર્મચારીઓને 4 માસના એરિયર્સ પેટે રાજ્ય સરકાર કુલ મળીને રૂા. 523 કરોડની ચૂકવણી કરશે. મોંઘવારી ભથ્થામાં આ વધારાના કારણે રાજ્ય સરકાર પર વાર્ષિક રૂા. 1569 કરોડનું વધારાનું નાણાકીય બોજ પડશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ મે 2026માં સાતમા પગારપંચ હેઠળ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ડીએ 58 ટકાથી વધીને 60 ટકાના સ્તરે પહોંચ્યું હતું. હવે આ નવા 3 ટકાના વધારા સાથે રાજ્યના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 60 ટકાથી વધીને સીધું 63 ટકાની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd