પેટ્રોલમાં વીસ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ મુદ્દો થાળે પડ્યો નથી
ત્યાં કેન્દ્ર સરકારે 100 ટકા ઈથેનોલ
(ઈ100) પર ચાલનારાં વાહનોને લીલી ઝંડી
દેખાડી છે. કેન્દ્રના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ્સમાં
ફેરફાર કરી ભારતમાં સર્ટિફાઈડ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે ઈ85 અને ઈ100 ઈંધણને સત્તાવાર માન્યતા આપી
છે. ઈંધણ માટે ભારતનો આયાતી ક્રૂડતેલ પરનો મદાર જોતાં અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું
તરંગી વલણ, ઈરાનમાં યુદ્ધ અને તેના
પગલે હૉર્મુઝની નાકાબંધી અને તેના કારણે ક્રૂડના ભડકે બળતાં ભાવની પરિસ્થિતિ જોતાં
વૈકલ્પિક ઈંધણ બાબતે ભારતે લીધેલો આ નિર્ણય સમયોચિત છે. જોકે, આ મોરચે ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોથી લઈને અનેક પડકારો છે. વિરોધ પક્ષોએ ઈ20 મુદ્દે શરૂ કરેલા દુપ્રચારનો
છેદ ઉડાડી મૂકવા માટે સરકારે લીધેલું પગલું એક તીરથી અનેક લક્ષ્ય સાધનારું છે. ઈંધણ
માટે પરાવલંબન દૂર કરી દેશમાં જ ઈથેનોલના ઉત્પાદન સાથે દરેક પ્રકારના ઈંધણનો ઉપયોગ
જેમાં થઈ શકે એવાં વાહનોના ઉત્પાદનને પણ વેગ મળશે. ઈ20 ઈંધણના કારણે માઈલેજમાં થતો
ઘટાડો તથા એન્જિનને લાગતા ઘસારા વિશેની શંકા-કુશંકાઓ અને દાવા-પ્રતિદાવા વચ્ચે 100 ટકા ઈથેનોલ પર વાહનો ચાલશે
એ મુદ્દે વિરોધ થયો નથી, કેમ કે આ નવું
ઈંધણ માત્ર ફ્લેક્સ-ફ્યુએલ વેહિકલ માટે જ છે અને અત્યારે જેમની પાસે વાહનો છે,
તેમને કોઈ ફેરફાર કરવાનો કે બદલી કરવાની જરૂર રહેતી નથી. ભારતમાં ઈથેનોલનું
મબલક ઉત્પાદન થાય છે અને અત્યારે ઉદ્યોગોમાં તેનો ઉપયોગ થાય છે. મકાઈ, શેરડી તથા અન્ય સ્ટાર્ચયુક્ત પાકમાંથી ઈથેનોલ બને છે, આથી ઈ100ને કારણે
આ ખેડૂતોને પણ લાભ થશે. એક ભયસ્થાન એ છે કે, ભવિષ્યમાં ખેડૂતો આ પાક પર જ ભાર આપશે તો? તથા આ પાક
માટે પાણીની વધુ જરૂર પડે છે એ પણ જાણીતી વાત છે. આવામાં, હાલ
છે એવી દુકાળ અને પાણીકાપની સ્થિતિમાં સંતુલન બગડી શકે છે. જોકે, અત્યારે તો માત્ર બે જ કાર એવી છે, જે ફ્લેક્સ-ફ્યુએલ
એન્જિન ધરાવે છે, આથી માગ-પુરવઠાનું સંતુલન સધાય એ પણ એક મોટો
પડકાર છે. એક જોખમ એવું પણ છે કે, હાઈ-ઈથેનોલ બ્લૅન્ડિંગને કારણે
લાંબા ગાળાના ઈલેક્ટ્રિફિકેશન તરફના રોકાણમાંથી ગતિશીલતા ઓછી થઈ શકે છે, જેના પર ભારત અત્યારે ભાર આપી રહ્યું છે. આશા રાખીએ કે, આ અને આવા મુદ્દાઓ અંગે સરકારે વિચાર કરી લાંબા ગાળાનું આયોજન કર્યું હશે.
પ્રદૂષણમાં ઘટાડાનો લાભ અને આયાતી ક્રૂડ પરના મદારમાં રાહતનો વિચાર ગળચટ્ટો લાગે એવો
છે, પણ સમસ્યા કરતાં ઉપાય ક્યાંક જાલીમ ન થઈ પડે એ વધુ મહત્ત્વનું
છે. જોકે, ઈ100 દેશના ઈંધણ પ્રવાસમાં એક મહત્તનો વળાંક હોવા છતાં મંજિલ હજી દૂર છે.