• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

દિવાળી પૂર્વે ગાંધીધામમાંથી 1600 ટન કચરો સાફ

ગાંધીધામ, તા. 4 : કચ્છના આર્થિક પાટનગર સમાન ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રકાશપર્વ દિવાળીના તહેવારો દરમિયાન કચરાના નિકાલમાં ધરખમ વધારો નોંધાયો છે. ખાસ સફાઈ ઝુંબેશ તથા શહેરીજનો દ્વારા ઘરો અને દુકાનોની સાફ-સફાઈ તથા ખરીદીના ધમધમાટ વચ્ચે સામાન્ય દિવસોની સરખામણીએ કચરાના જથ્થામાં દૈનિક 70 ટન જેટલો વધારો જોવા મળ્યો છે. ગાંધીધામ મહાનગરપાલિકા હસ્તકના 188 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં સામાન્ય દિવસો દરમિયાન દૈનિક સરેરાશ 140થી 150 ટન જેટલો કચરો એકત્ર થતો હોય છે. જો કે, દિવાળીના તહેવારો ટાણે આ આંકડો સીધો વધીને 200થી 220 ટને પહોંચી ગયો છે. સફાઈ અભિયાન અને લગભગ દોઢ લાખ ઘરમાંથી સાફ-સફાઈ તેમજ ભંગાર અને વેસ્ટ મટીરીયલ ઉપરાંત બજારોમાં વેપારીઓની સાફ-સફાઈ તેમજ ગ્રાહકો દ્વારા માલસામાન લીધા પછી કચરાનો નિકાલ કરવામાં આવે છે, જેના કારણે અઠવાડિયામાં કચરાના જથ્થામાં થયેલા આ અચાનક વધારાને પગલે પાલિકાના સેનિટેશન વિભાગ પર ભારણ વધી ગયું છે. 188 ચો.કિ.મી.ના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતાં વાહનોના ફેરા વધી ગયા છે. ઉપરાંત ખાસ સફાઈ ઝુંબેશનાં પગલે સફાઇ એજન્સીના ટ્રેક્ટરો પણ કચરાથી ભરાઈને ડમ્પિંગ સાઈટ ઉપર ઠલવાયા છે. સામાન્ય દિવસોમાં યોગ્ય સફાઈ થતી નથી અને હાલ પણ જોઈએ તેવી સફાઈ થઈ નથી, પરંતુ દિવાળીનાં પગલે સફાઈ ઝુંબેશથી એજન્સીએ કામ કરવું પડયું છે અને જે પણ કચરો નીકળ્યો છે, તેનો નિકાલ કર્યો હતો. સામાન્ય દિવસો કરતા પ્રકાશના પર્વ દીપાવલિના તહેવારમાં સાફ-સફાઈનાં પગલે કચરાના જથ્થામાં વધારો થયો છે અઠવાડિયામાં 1600 ટનથી પણ વધુ કચરો ડમ્પિંગ સાઇટ ઉપર ઠલવાયો છે. હજુ પણ બે દિવસ દરમિયાન આ કચરાનો કકળાટ વધવાની સંભાવના છે. દિવાળી પહેલાં ઘરની સાફ-સફાઈ ઉપરાંત વેપારી વર્ગ દ્વારા દુકાનોની સાફ સફાઈ અને મહાનગરપાલિકા દ્વારા તહેવારને ધ્યાને લઈને સફાઈ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના પગલે દૈનિક કચરો વધુ નીકળવાનું શરૂ થયું છે ઘણા ગ્રામીણ વિસ્તારમાં તો ઘણા લાંબા સમયથી સફાઈ થઈ જ નથી, પણ તહેવારો ઉપર લોકો સફાઈને લઈને આક્રોશ વ્યક્ત ન કરે તે માટે તંત્ર દ્વારા અભિયાન હાથ ધરાયું છે અને જૂના કચરાનો પણ નિકાલ કરાયો છે, જેના કારણે દૈનિક 70 ટન વધુ કચરો નીકળવાનું શરૂ થયું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd