દહીંસરા (તા. ભુજ), તા.4 : પ્રકાશના
પર્વ દિવાળીના દિવસો નજીક આવી રહ્યો છે, ત્યારે સોના-ચાંદીના ભાવો ઘટી ગયા છે. શેરબજારમાં તેજી-મંદીનો આખલો સૌને દઝાડે
છે. પણ મુહૂર્ત સાચવવું પડે એટલે ગ્રાહકોનો સુડી વચ્ચે સોપારી જેવો તાલ છે. બજારમાં
રોનક અને ઝાંખપ બંને જોવા મળી રહી છે. આ ગામે દિવાળીની ફૂટપાટ બજારમાં ખરીદીમાં રંગોળી, કલર, દિવડા,
તોરણ, ફટાકડામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
મીઠાઈ, કપડા, બુટની ખરીદી હજુ બાકી હોવાનો
મત જણાવાયો હતો. આ ગામ પાંચડાનું મુખ્ય મથક છે. ખરીદીમાં ઉમંગ, ઉત્સાહ, ખરીદીમાં ઓટ દેખાય છે. કિસાનો સાથે એક સાંધે
ને તેર તૂટે જેવી હાલત મજૂરોની પણ છે. ડેકોરેશન માટેની લાઈટોની માંગ વધારે છે. ફટાકડાના
ભાવ સૌને દઝાડે છે. પાછલા દિવસોમાં ઘરાકી વધશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. નાના
બાળકોમાં ખરીદી માટે ઉમંગ ઉત્સાહ દેખાય છે. ચુનડી, ધુણઈ,
સરલી, ગોડપર, મેઘપર,
પુનડીના લોકો દહીંસરા ખરીદી કરવાં આવે છે. શરૂના દિવસોમાં ઘરાકી ઓછો
હોવાનું જાણકારો કહે છે. પર્વના દિવસોમાં ખરીદીની રંગત જામશે તો પ્રકાશનું પર્વ દીવાળી
દીપી ઊઠશે તેવી આશા વ્યકત કરાઈ હતી.