હેતલ પટેલ દ્વારા : ભુજ, તા. 30 : દિવાળી પર્વે નવાં વસ્ત્રો
પહેરવાની પરંપરા સાથે પોતાની સંસ્કૃતિ, અસ્મિતા અને વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવાનો પણ અવસર મળે છે. સમયની સાથે દિવાળીની
ખરીદીની રીત અને ફેશનની પસંદગીમાં પરિવર્તન આવ્યું છે. એક સમયે પરંપરાગત વસ્ત્રો અને
સ્થાનિક બજારો સુધી મર્યાદિત રહેતી ખરીદી આજે મોલ, બ્રાન્ડેડ
શો-રૂમ, બુટિક અને ઓનલાઈન પ્લેટફોર્મ સુધી વિસ્તરી છે. કચ્છભરની
બજારોમાં રોશની સાથે ફેશનની રંગત પણ ખીલી ઊઠી છે. આધુનિક ફેશનના આકર્ષણ વચ્ચે પરંપરાનો
રંગ જાળવી `વોકલ ફોર
લોકલ'ને સતત પ્રોત્સાહનના પગલે સ્વદેશી વસ્ત્રો તથા
સ્થાનિક વેપારીઓ પાસે ખરીદી કરતો વર્ગ પણ વધ્યો છે. - સોબર લૂકને પ્રાધાન્ય : વુમેન્સ વેરમાં ક્લાસિક બાંધણી, સિલ્ક સાડી અને ઓર્ગેન્ઝા સાડી સદાબહાર છે.
આ સિવાય ઈન્ડો વેસ્ટન ડ્રેસ, હેવી વર્કવાળા કોરસેટ, અનારકલી ડ્રેસ ધૂમ મચાવી રહ્યા છે. ભુજના છઠ્ઠીબારી રિંગરોડ પરના વેપારી જિજ્ઞેશ
ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દિવાળીએ સ્ટ્રેટ ઇન્ડો-વેસ્ટર્ન,
હેવી દુપટ્ટાવાળા ડ્રેસમાં બે હજારથી 10 હજાર કિંમતમાં ઉપલબ્ધ છે. ટીનએજર
યુવતીઓમાં રૂા. 1500થી 3000ની કિંમતનાં કોરસેટ ડ્રેસનું
આકર્ષણ જોવા મળી રહ્યું છે. સિલ્ક, શિફોન અને કોરિયન મટિરિયલમાં જરદોશી તથા સ્ટોન વર્કવાળાં વસ્ત્રો પસંદ કરવામાં
આવી રહ્યાં છે. કલરની વાત કરીએ તો આઇફોન કલર ઉપરાંત ઓરેન્જ, બ્રાઉન,
ચોકલેટી ગ્રે શેડ્સ ટ્રેન્ડમાં છે. - અંજાર પ્રખ્યાત : અંજારની માલાશેરીમાં છેલ્લાં 35 વર્ષથી સાડી અને ડ્રેસ મટિરિયલના
વેપાર સાથે સંકળાયેલા મહેશભાઈ શાહે જણાવ્યું હતું કે, આ વર્ષે ડ્રેસ કરતાં સાડીનો ટ્રેન્ડ વધુ જોવા
મળી રહ્યો છે. પટોળા, સિલ્ક, કાંજીવરમ અને
સ્ટોન વર્કવાળી સાડીઓની માંગ છે. ખાસ કરીને રૂા. 2000થી 5000 સુધીની સાડીઓ વધુ પસંદ કરવામાં
આવી રહી છે. ડ્રેસ મટિરિયલની સરખામણીએ રેડિમેડ ડ્રેસનું વેચાણ વધુ છે. ગ્રાહકો સોબર
લૂકને પ્રાધાન્ય આપી રહ્યા છે. મંદીની અસર હોવા છતાં એકંદરે ઘરાકી સારી હોવાનું ઉમેર્યું
હતું. - મંદીનો માહોલ : મેન્સ વેર ફેશનમાં સિમ્પલ કૂર્તા-પાયજામાને બદલે ફ્લોરલ અને
પ્રિન્ટેડ નેહરુ જેકેટ્સ, શોર્ટ કૂર્તા
તથા ઇન્ડો-વેસ્ટર્ન શર્ટ્સનો ટ્રેન્ડ જોવા મળે રહ્યો છે. આજે પણ એક વર્ગ શાટિંગ-શર્ટિંગનું
મટિરિયલ ખરીદીને પોતાની માપ મુજબ કપડાં સીવડાવીને પહેરવાનું પસંદ કરે છે, જ્યારે નવી પેઢીમાં રેડિમેડ કપડાંનો ક્રેઝ વધુ જોવા મળે છે. જો કે,
આ વર્ષે બજારમાં વરસાદની માઠી અસરને પગલે મંદીનો માહોલ જોવા મળી રહ્યો
છે, તેવું વેપારીઓનું કહેવું છે. માંડવીમાં 12 વર્ષ જૂની પેઢી ધરાવતા વેપારી
જિનય રાજગોરે જણાવ્યું હતું કે, યુવાનોમાં
બેગી પેન્ટ-જીન્સ, બોક્સી-ફિટ શર્ટ અને ઓવરસાઇઝ ટી-શર્ટનો ટ્રેન્ડ
છે. મોલની સ્પર્ધા કરતાં ઓનલાઇન શાપિંગ અને ઓછા વરસાદની અસર બજાર પર જોવા મળી રહી છે.
અગાઉ દિવાળીના 20થી 25 દિવસ પહેલાં બજારમાં ચહલપહલ
શરૂ થઈ જતી, જ્યારે આ વર્ષે ખરીદી મધ્યમ
છે. દિવાળી નિમિત્તે રૂા. 650થી 2000 સુધીની વિવિધ
રેન્જમાં કપડાં ઉપલબ્ધ છે. - ફેશન સાથે કમ્ફર્ટને પ્રાધાન્ય : બાળકો માટે
વસ્ત્રોની ખરીદી વખતે ફેશનની સાથે `કમ્ફર્ટ'ને મહત્ત્વ
આપવામાં આવે છે, ત્યારે દિવાળી માટે બાળકોમાં કોરિયન પેન્ટ,
ઓવરસાઇઝ ટોપ, પ્લાઝો સેટ અને સિમ્પલ વર્કવાળા ડ્રેસનું
કલેક્શન ડિમાન્ડમાં છે. છેલ્લાં 15 વર્ષથી કિડ્સવેરના વેપાર સાથે સંકળાયેલા ગાંધીધામના વેપારી મનોજ
પટેલ કહે છે કે, આ વર્ષે ગરમી અને પરીક્ષાઓને
કારણે ઘરાકી મંદ હોવાનું જણાવતાં દિવાળી પૂર્વે છેલ્લા પાંચ દિવસમાં ઘરાકી જામશે તેવી
આશા વ્યક્ત કરી હતી. વધુમાં કહ્યું હતું કે, કપડાંના ભાવમાં આ
વર્ષે અંદાજે 20 ટકાનો વધારો
થયો છે. હાલ વેસ્ટર્ન કપડાંની ખરીદી વધુ કરી રહ્યા છે, જ્યારે દિવાળી બાદ લગ્નસરામાં હેવી વર્કવાળાં
કપડાંની પસંદગી રહે છે. જીએસટી અંગે તેમણે જણાવ્યું કે, ગત વર્ષની
સરખામણીએ હવે જીએસટી પાંચ ટકા થવાથી દરમાં સાત ટકા રાહત મળી છે. - મોલ કલ્ચરનો ધમધમાટ : મોલ્સ વન-સ્ટોપ ફેમિલી ડેસ્ટિનેશન બન્યા છે. નેશનલ અને ઇન્ટરનેશનલ
બ્રાન્ડ્સ દ્વારા દિવાળી સ્પેશિયલ `ફેસ્ટિવલ કલેક્શન' યંગ જનરેશનને આકર્ષી રહ્યા છે. બ્રાન્ડેડ ઇન્ડો-વેસ્ટર્ન લૂક અને ટ્રેન્ડી
આઉટફિટ્સની માંગ યથાવત છે. દિવાળી વિશેષ ડિસ્કાઉન્ટસ અને લેટ-નાઈટ શાપિંગની સુવિધા
લોકોને આકર્ષે છે. - ગ્રાહકોમાં
જાગૃતિ : હવે ગ્રાહકો સ્માર્ટ શાપિંગ તરફ વળ્યા છે, જેમાં બજેટનું આયોજન કરીને ઉત્તમ ક્વોલિટી ખરીદવા
પર ભાર આપવામાં આવે છે. જીએસટી આવ્યા બાદ પાકા બિલ સાથે પારદર્શક ખરીદી કરવાનો ટ્રેન્ડ
પણ વધ્યો છે. ગ્રાહકના પ્રતિભાવોમાં મુંદરાની માન્સી ભટ્ટ કહે છે કે, સામાન્ય રેગ્યુલર વેરની ખરીદી ઓનલાઇન કરે છે, પરંતુ તહેવારોમાં
વોકલ ફોર લોકલ મંત્ર સાથે સ્થાનિક દુકાનોમાંથી ખરીદી કરવાનું પસંદ કરે છે. સ્ટોર્સમાં
કપડાં જાતે જોઈને, પહેરીને અને પસંદગી મુજબ ખરીદી કરી શકાય છે.
ઓનલાઇનની સરખામણીએ સસ્તા ભાવે પણ મળી રહે છે. તહેવારોમાં ઓનલાઈન ડિલિવરીમાં વિલંબ,
રિટર્નની લાંબી પ્રક્રિયા સહિતની મર્યાદાઓ રહેતી હોવાનું ઉમેર્યું હતું.