• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

પહેલી વન ડેમાં ટીમ ઇન્ડિયાનો વિરાટ વિજય

ઓકલેન્ડ, તા. 4 : ભારતે વન ડે શ્રેણીની પહેલી મેચમાં તમામ મોરચે ચડિયાતો દેખાવ કરીને ન્યુઝિલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. ઈડન પાર્કમાં વરસાદગ્રસ્ત મેચમાં ભારતને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ જીત મળી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝિલેન્ડની ટીમ ભારતીય બોલરોના બળુકા દેખાવ થકી 41મી ઓવરમાં 185 રનમાં સમેટાઈ હતી. ભારતની ઇનિંગ્સ દરમિયાન બે વખત વરસાદનાં કારણે રમત થંભી હતી અને ટીમને અંતમાં 32 ઓવરમાં 143 રનનું લક્ષ્ય મળ્યું હતું. ભારત વિરાટ કોહલીના અફલાતૂન 74 રનની મદદથી પાંચ વિકેટ ગુમાવીને 22.4 ઓવરમાં જીત્યું હતું. આ સાથે જ પાંચ મેચની શ્રેણીમાં ભારતને 1-0ની સરસાઈ મળી છે. ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. બોલરોએ ગિલના નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. ન્યૂઝિલેન્ડની શરૂઆત સારી રહી નહોતી અને વિલ યંગ નવ રન કરીને આઉટ થયો હતો. બાદમાં સતત વિકેટો પડતી રહી હતી. કીવી ટીમને એક પણ મોટી ભાગીદારી મળી નહોતી. વિકેટ કીપર બેટ્સમેન ટિમ સિફર્ટે સર્વાધિક 38 રન કર્યા હતા. આ ઉપરાંત ડેરિલ મિચેલે 28 અને ગ્લેન ફિલિપ્સે 30 રન કર્યા હતા. આ ઉપરાંત કોઈપણ કીવી બેટર ભારતીય બોલરોનો સામનો કરી શક્યા નહોતા. ભારત તરફથી અર્શદીપ સિંહે 70 રનમાં ચાર વિકેટ લીધી હતી. જ્યારે ગુરનુર બરારને 44 રનમાં ત્રણ વિકેટ મળી હતી. અંશુલ કંબોજે 10 ઓવરમાં માત્ર 22 રન આપીને બે વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત પણ નબળી રહી હતી. રોહિત શર્મા પહેલી જ ઓવરમાં ખાતું ખોલ્યા વિના આઉટ થયો હતો. બાદમાં શુભમન ગિલ અને વિરાટ કોહલીએ મોરચો સંભાળ્યો હતો. 11મી ઓવરમાં વરસાદનાં કારણે મેચ રોકાયો હતો અને 10 મિનિટ બાદ ફરી શરૂ થયો હતો. આ દરમિયાન ભારતને 40 ઓવરમાં 167 રનનો રિવાઇઝ સ્કોર મળ્યો હતો. માત્ર સાત બોલ બાદ ફરીથી વરસાદ પડતા લક્ષ્ય 32 ઓવરમાં 143 રનનું  થયું હતું. કોહલીએ મેદાનમાં આવતા જ ઝડપથી રન શરૂ કર્યા હતા. તેણે 35 બોલમાં 80મી વન ડે અર્ધસદી કરી હતી. જો કે ભારતે 114ના સ્કોરે ગિલની વિકેટ ગુમાવી હતી. વિરાટ 51 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે  74 રન કરીને આઉટ થયો હતો. અંતે નમન ધીરે ચોગ્ગો ફટકારીને મેચ પૂરો કર્યો હતો. ન્યૂઝિલેન્ડ માટે જેકફ ડફીએ ત્રણ અને નાથન સ્મિથ અને કાઇલ જેમિસને 1-1 વિકેટ લીધી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd