ભારતીય
રાજનીતિની ધરી કે કેન્દ્ર કહી શકાય તેવું ઉત્તર પ્રદેશ રાજ્ય વર્ષોથી દેશની રાજકીય
દિશાનો સ્પષ્ટ સંકેત આપતું રહ્યું છે. આ પ્રદેશ એક રાજ્ય માત્ર નથી, ત્યાં જે રાજકીય સમીકરણ રચાય
છે તે સમગ્ર દેશમાં અસર કરી શકે તેવી પ્રબળ સંભાવના હોય છે. થોડા દિવસ પૂર્વે જ યુ.પી.
વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો આવ્યાં તેના સંકેત પણ ભાજપ માટે ચિંતાજનક નહીં તો ચિંતન
કરવાપાત્ર તો ચોક્કસ છે. સૌથી મોટો પક્ષ હોવાની સ્થિતિ તો ભાજપે જાળવી રાખી છે ત્યાં
ભાજપની સત્તા છે, આદિત્યનાથ યોગી જેવા મુખ્યમંત્રી છે,
પરંતુ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ પાંચ બેઠક જીતીને ભાજપની રાજકીય
ગણતરી થોડી આડી-અવળી કરી નાખી છે. દિલ્હીમાં ચાલી રહેલા પ્રબળ આંદોલનો, સોશિયલ મીડિયા ભાજપ સામે રાષ્ટ્રવ્યાપી નારાજગીના સકેત આપતા હોવાનું એક અનુમાન
વ્યાપક રીતે થઈ રહ્યું છે. યુ.પી, વિધાનપરિષદની ચૂંટણીમાં ભાજપને
છ બેઠક મળી હોવા છતાં ચર્ચા તો લખનઉ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યાંથી લોકસભામાં
ચૂંટાયા છે તે વારાણસી બેઠકની છે. વિધાન પરિષદની સ્નાતક અને શિક્ષક બેઠક સમાજવાદી પાર્ટીએ
જાળવી રાખી છે. ત્યાં સપાની સરસાઈ પણ નાની નથી. આ ફક્ત બે બેઠક નથી, ભાજપના અભેદ્ય ગણાતા કિલ્લામાં પડેલાં ગાબડાં તેને ગણી શકાય. અલબત્ત ભાજપે
તેની ક્ષમતા તો બતાવી જ છે. શિક્ષક મતદાર ક્ષેત્રોની છમાંથી ચાર બેઠક ઉપર ભાજપનો વિજય
થયો છે. સ્નાતક બેઠકો ઉપર મેરઠ અને આગ્રામાં તેની જીત થઈ છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની
રાજકીય મજબૂતી ઘટી રહી છે કે, લોકપ્રિયતા ઓછી થઈ રહી છે તેવું
પૃથક્કરણ તો આ પરિણામ ઉપરથી કરી શકાય નહીં, પરંતુ પશ્ચિમ બંગાળની
વિધાનસભામાં ભાજપ જીતે, દેશમાં સર્વત્ર ભાજપ-ભાજપ છે ત્યારે યુ.પી.
વિધાન પરિષદની ચૂંટણીમાં વિપક્ષની સફળતા પણ સામાન્ય નથી. ગોરખપુર અને ફૈઝાબાદમાં ભાજપનો
વિજય પાતળી બહુમતિથી થયો છે. મુખ્યમંત્રી આદિત્યનાથના મતક્ષેત્રમાં પણ ભાજપ હવે વધારે
પડતા આત્મવિશ્વાસમાં રહી શકે તેમ નથી. આ ચૂંટણી પછી એક અગત્યનો મુદ્દો એ પણ ઊઠયો છે
કે, સમાજવાદી પાર્ટી તેના પરંપરાગત જાતિગત રાજકારણના આધારે પોતાની
રાજનીતિ આગળ વધારવા માગતી નથી. શિક્ષકો, સ્નાતકો, યુવાનો અને શિક્ષિત બેરોજગારોના પ્રશ્ને પણ લડવા માગે છે. સ્નાતક મતદાર ક્ષેત્રમાં
પણ તેને મળેલી સફળતા ધ્યાન ખેંચે છે. ભાજપ માટે આ આત્મમંથનનો સમય છે. આગામી વર્ષે ઉત્તર
પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે. આંતરિક અસંતોષ, સંગઠનાત્મક સંકલનનો
અભાવ અહીં કારણ હોય તેવું બને. ટિકિટ ફાળવણીને લીધે નારાજગી, સ્નાનિક નેતાઓની અસહમતિ, કાર્યકર્તાઓની ઉપેક્ષા જેવી
બાબત ચર્ચામાં હતી. 2024ની
લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને આંચકો લાગ્યો હતો, અયોધ્યામાં રામમંદિર નિર્માણકાર્ય
પૂર્ણ થયા પછી પણ પરિણામ એવાં હતાં ત્યાર પછી ભાજપે ચિંતન શરૂ કર્યું હતું. 2019માં 62 બેઠકની સરસાઈ પછી 2024માં
33 બેઠક પર લોકસભામાં તે અટક્યો હતો. હવે વિધાન
પરિષદના પરિણામ વિધાનસભાની ચૂંટણી પૂર્વેની ચેતવણી છે તેમ કહી શકાય.