• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

બેથી વધુ બાળક હોવાથી ચૂંટણી પર રોક અયોગ્ય

નવી દિલ્હી, તા. 4 : દેશની સર્વોચ્ચ અદાલતે બુધવારે એક ધ્યાન ખેંચનારા મહત્ત્વના નિર્દેશમાં જણાવ્યું હતું કે, બેથી વધુ બાળકો હોય, તેના ચૂંટણી લડવા પર રોક મૂકતા કાયદા હવે પ્રાસંગિક નથી રહ્યા. ભારતનો પ્રજનન દર ઘટીને 1.9 રહી ગયો છે, જે 2003માં ત્રણનો હતો. પ્રજનનદર ઘટવાથી બુઝુર્ગોની વસ્તી વધી શકે છે અને કામ કરી શકે તેવા યુવાનોની સંખ્યા ઘટી શકે છે. આ બદલાવોની અવગણના કરવાનાં ગંભીર પરિણામ આવી શકે છે, તેવું કોર્ટે કહ્યું હતું. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને આલોક અશદોની ખંડપીઠે મહારાષ્ટ્રના પૂર્વ સરપંચ મંગલા ભીમરાવને રાહત આપતાં આવો નિર્દેશ આપ્યો હતો. તેમને ત્રીજાં બાળકના જન્મનાં કારણે અયોગ્ય ઠરાવાયા હતા. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે, બેથી વધારે બાળકો હોય તેને ચૂંટણી લડતા રોકવાના કાયદા નાગરિકોના એક વર્ગને રાજકીય પ્રતિનિધિત્વના અધિકારથી વંચિત કરી નાખે છે. બેથી વધુ સંતાનો હોવાનો કોઇ વ્યક્તિની જાહેર પદ સંભાળવાની ક્ષમતા સાથે કોઇ ખાસ સંબંધ નથી, તેવું અદાલતે જણાવ્યું હતું. સુપ્રીમે કહ્યું હતું કે, આવા કાયદા લોકોને બાળક પેદા કરવા અથવા લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવામાંથી કોઇ એકની પસંદગી કરવા મજબૂર કરી શકે છે. આવી રોક મૂકવાથી બંધારણની કલમ 21 હેઠળ નાગરિકોને મળેલા પ્રજનન સાથે જોડાયેલા નિર્ણયો લેવાની આઝાદીના અધિકારનું ઉલ્લંઘન થાય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયમિત્ર તરીકે નિયુક્ત વકીલ રુક્મિણી બોબડેએ જણાવ્યું હતું કે, સાત રાજ્યોએ બે બાળકની શરત ખતમ કરી નાખી છે. દેશનાં 15 રાજ્યોમાં તો આવી કોઇ નીતિ જ નથી. ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને ઉત્તરાખંડમાં બેથી વધુ બાળકવાળો નિયમ આજની તારીખે પણ લાગુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વધતી વસ્તીનો ડર હવે આવા કાયદાનો આધાર નથી રહી ગયો. કારણ કે, છેલ્લા કેટલાક દાયકાથી વસ્તી સાથે જોડાયેલી પરિસ્થિતિ બદલી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, 2003માં હરિયાણાના એક મામલામાં સુપ્રીમ કોર્ટે બેથી વધુ બાળક હોય તે ચૂંટણી પર રોકના કાયદાને યોગ્ય ઠરાવ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd