• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં ગતિની આશા

વોશિંગ્ટન, તા. 4 : યુનાઇટેડ સ્ટેટ્સમાં તાજેતરમાં પૂર્ણ થયેલી મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામોએ વાશિંગ્ટનમાં સત્તાના રાજકીય સંતુલનને બદલી નાખ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં હારનો સામનો કરવો પડયો હતો, જેનું કારણ અમેરિકન મતદારોએ ફુગાવા અને વધતા જીવન ખર્ચ સામે આપેલા જનાદેશ હતો. આ રાજકીય ઉલટફેરે વૈશ્વિક વેપાર, ખાસ કરીને ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો વિશે નવી ચર્ચા શરૂ કરી છે. નિષ્ણાતો મુજબ ટ્રમ્પ ભારત સાથે ટ્રેડ ડીલમાં ઝડપ કરે તેવી શક્યતા છે. અમેરિકન ગ્રાહકો પર વધતા ભાવ અને ટેરિફના વધતા બોજના વિરોધમાં મતદારોએ ડેમોક્રેટિક પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું હતું. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટમાં ડેમોક્રેટિક બહુમતી સાથે ટ્રમ્પની એકપક્ષીય વેપાર અને  કડક ટેરિફ નીતિઓ  કોંગ્રેસની દેખરેખ હેઠળ રહેશે.  વિશ્લેષકોના અમત મુજબ અમેરિકાની મધ્યત્ર ચૂંટણીમાં પરિણામોની ભારત પર મિશ્ર અસર થઇ શકે છે. 2025માં ભારતીય માલ પર દંડાત્મક ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ ડેમોક્રેટસના નિયંત્રણ હેઠળ હોવાથી ટ્રમ્પ વહીવટી તંત્ર માટે હવે ફરીથી એક પક્ષીય વેપાર યુદ્ધ શરૂ કરવું મુશ્કેલ બનશે. એચ-વનબી વિઝા ફી પર લદાયેલા કડક નિયંત્રણો અને 100,000 ડોલરની પ્રસ્તાવિત ફી યુએસ કોંગ્રેસની તપાસ હેઠળ રહેશે, જે ભારતીય આઇટી વ્યાવસાયિકો અને ટેક કંપનીઓને રાહત આપી શકે છે. ટ્રમ્પ વહીવટી તંત્ર તરફથી ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર આકરા પ્રતિબંધોની ધમકીઓમાં કામચલાઉ રાહત મળી શકે છે. જો કે, થિંક ટેન્ક જીટીઆર આઇ અને આર્થિક વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે, ટ્રમ્પ પોતાની ઘટતી રાજકીય વિશ્વનીયતા બચાવવા માટે ભારત પર એક પક્ષીય વેપાર સોદો કરવા દબાણ કરી શકે છે. ભૂતપૂર્વ રાજદ્વારી રાજીવ ભાટિયાના મતે, ડેમોક્રેટિક વિજયનો અર્થ એ નથી કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત પ્રત્યે પોતાનું વલણ નરમ પાડશે. ડેમોક્રેટિક પાર્ટી યુએસ બજાર એક્સેસ અને બૌદ્ધિક સંપત્તિ પર પણ કડક વલણ જાળવી રાખે છે. ચીન અને અન્ય એશિયન દેશો પર પડનારી અસર વિશે જોઇએ, તો જાન્યુઆરીમાં સમાપ્ત થઇ રહેલા વેપાર યુદ્ધ વિરામ દરમ્યાન બીજિંગ ટ્રમ્પની નબળાઇનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે. જો કે, ડેમોક્રેટસ એઆઇ અને સેમિકન્ડકટર ટેક્નોલોજીની નિકાસ પર કડક નિયંત્રણોનું સમર્થન કરે છે, જે ચીનને વધુ છૂટ મેળવવાથી પણ અટકાવશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd