• શનિવાર, 11 એપ્રિલ, 2026

કસ્ટડીમાં મૃત્યુ : ઐતિહાસિક ચુકાદો

ભારતીય ન્યાયપાલિકાના ઈતિહાસમાં દૃષ્ટાંતરૂપ ચુકાદો મદુરાઈની અદાલતે આપ્યો. 2020ના સાથાનકુલમ કસ્ટોડિયલ ડેથના કિસ્સાનો ચુકાદો આપતાં કોર્ટે એક સાથે નવ પોલીસકર્મીને ફાંસીની સજા ફરમાવી. કોર્ટે પોતે પણ તેને રેરેસ્ટ ઓફ ધ રેર એટલે કે, દુર્લભમાં પણ દુર્લભ એવો ચુકાદો કહ્યો છે. પોલીસ કે અન્ય કોઈ પણ સત્તા પોતાની ક્ષમતા અને અધિકારોનો દુરુપયોગ કરતાં ડરે, સંયમ જાળવે તેવો આ કિસ્સો છે. ફિલ્મી વાર્તા લાગે તેવો આ બનાવ તદ્દન સાચો અને અત્યંત ગંભીર છે. કોર્ટે જે ન્યાય કર્યો તેના પછી તો ભારતના કાનૂન ક્ષેત્રે તે તવારીખી બની ગયો છે. 2020માં બનેલા આ બનાવનો ચુકાદો ભલે છ વર્ષે આવ્યો, પરંતુ વર્ષો સુધી તેનું ઉદાહરણ અપાતું રહેશે તેવો આવ્યો છે. સાથાનકુલમમાં વેપારી પી. જયરાજ અને તેમના પુત્ર જે. બેનિક્સનું પોલીસના કબજામાં મૃત્યુ થયું હતું. શું ગુનો હતો તે બન્નેનો? વાંચીએ તો વધારે ચોંકી જઈએ. કોરોનાને લીધે લોકડાઉન ચાલુ હતું. આ પિતા-પુત્રે સરકાર દ્વારા નિયત કરેલી અવધિ કરતાં વધારે સમય સુધી દુકાન ખુલ્લી રાખી હતી. 58 વર્ષના પિતા, 38 વર્ષના પુત્રને પોલીસે ઉઠાવી લીધા હતા. એમને અમાનુષી રીતે માર મારવામાં આવ્યો, બન્નેનાં મૃત્યુ થયાં હતાં. મદુરાઈની અદાલતે છ એપ્રિલે પોલીસ ઈન્સપેક્ટર શ્રીધર સહિત નવ દોષિતને ફાંસીની સજા આપી. આ મુદ્દે કોર્ટના નિરીક્ષણો અત્યંત અગત્યના છે. કોર્ટે કહ્યું કે, કાયદાના રક્ષકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને સામાન્ય નાગરિકોને બેરહેમીથી મારવા તે સમાજના અંતરાત્માને ધ્રુજાવી દેવાની ઘટના છે. જ્યાં શક્તિ હોય-સત્તા હોય ત્યાં જવાબદારી પણ હોવી જોઈએ, આ ચુકાદો પોલીસ વિભાગમાં વ્યાપ્ત દંડમુક્તિની સંસ્કૃતિને કડક સંદેશ આપે છે કે, ગણવેશની અંદર છુપાઈને જો કોઈ અપરાધ કરશે, તો તેણે કાયદાના  ઉચ્ચતમ દંડનો સામનો કરવો પડશે, તેવું કહીને કોર્ટે ટકોર કરી કે, પોલીસનું કૃત્ય માત્ર અપરાધ જ નથી, પરંતુ માનવ અધિકાર અને માનવીય ગરિમા ઉપરનો પ્રહાર હતું. આરોપીને પોલીસ કબજામાં યાતના આપવી તે સંવૈધાનિક મૂલ્યોનું ગંભીર ઉલ્લંઘન છે. મદ્રાસ હાઇકોર્ટે સુઓમોટો લઈને કિસ્સાની તપાસ સીબીઆઈ (કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો)ને સોંપી હતી. લંબાણપૂર્વકની સુનાવણી અને 100થી વધારે સાક્ષીનાં નિવેદનો બાદ થયેલો આ નિર્ણય ન્યાયપ્રણાલિની મજબૂતી દર્શાવે છે.  ભારતીય ન્યાયસંહિતા અને ભારતીય સુરક્ષાસંહિતામાં કસ્ટડીમાં થયેલાં મૃત્યુને ગંભીર ગુનો ગણવામાં આવ્યો છે. ન્યાયસંહિતા મુજબ જો કોઇ પોલીસ અધિકારી દ્વારા લાપરવાહી કે યાતનાને કારણે કોઇનું મૃત્યુ થાય તો કલમ 101 દ્વારા હત્યાનો આરોપ લગાવાય છે, કલમ 103 હેઠળ દંડિત પણ કરાય છે અને કલમ 106 નીચે પણ સજાનું પ્રાવધાન છે. આમ, પણ આપણા બંધારણે કલમ 20, 21 અને 22માં વ્યક્તિને ગરિમાપૂર્ણ વ્યવહારની ગેરંટી અપાઇ છે. બિહારમાં એસિડ રેડીને આંખ ફોડી નખાયાનો કિસ્સો બન્યો હતો. કસ્ટોડિયલ ડેથ કંઈ નવી વાત નથી. અધિકારીની બદલી કે સસ્પેન્શન જેવાં પગલાં તેમાં લેવાતાં હોય, પરંતુ એક સાથે નવ પોલીસ કર્મચારીને ફાંસીની સજા એ ઘણો આકરો ચુકાદો છે. જે લોકો સત્તાનો દુરુપયોગ કરવામાં માને છે તેઓએ ચેતવું જોઈએ. 

Panchang

dd