• શનિવાર, 11 એપ્રિલ, 2026

અંજારમાં અદાવત રાખી યુવાનની હત્યાથી ચકચાર

ગાંધીધામ, તા. 10 : અંજાર નજીક ગાંધીધામ જતા સર્વિસ રોડ પર આશાબા વે-બ્રિજ નજીક આવેલા સર્વિસ સ્ટેશનમાં અગાઉની અદાવતનું ખુન્નસ રાખી શખ્સે નાગલપરના પરેશ વિશ્રામ માલસતાર નામના યુવાનને છરીનો ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી હતી. હત્યાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ નાગલપરમાં રહેનાર પરેશ માલસતાર અગાઉ ગાંધીધામમાં રમતગમત સંકુલ પાસે રીઅલ મોટર્સ નામના ગેરેજમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. દરમ્યાન પાલિકાની દબાણહટાવ કામગીરીમાં દુકાન કપાતમાં જતાં આ ગેરેજ હાલમાં બંધ કરવામાં આવી હતી. દરમ્યાન મૃત્યુ પામનારા યુવાન એવા પરેશને મુંદરા ખાતે નવી ગેરેજ ચાલુ કરવી હતી. અંજારની શિવશક્તિ સોસાયટીમાં રહેતા વૃદ્ધ અને આ યુવાનના કૌટુંબિક મામા એવા દિનેશ પુંજાભાઇ હડિયા અંજાર નજીક આસાબા વે-બ્રિજ પાસે મોડર્ન મોટર ગેરેજ નામનું ગાડી ધોવાનું સર્વિસ સ્ટેશન ચલાવે છે. આ ફરિયાદી દિનેશભાઇ સાથે કામ કરતા જોગીન્દર પ્રજાપતિ, મોન્ટુ પ્રજાપતિ ગેરેજમાં હાજર  હતા, ત્યારે અજિતસિંહ જાડેજા ગાડી સર્વિસ કરાવવા આવ્યા હતા, તેવા અરસામાં પરેશ માલસતાર આ ગેરેજે આવ્યો હતો અને પોતાને મુંદરા ખાતે ગેરેજ ચાલુ કરવાની હોવાથી તે તેના મામાની સલાહ લઇ રહ્યો હતો અને ગેરેજમાં રહેલા સાધનો જોઇ રહ્યો હતો. તેવામાં ત્યાં બાઇક ઉપર એક શખ્સ આવ્યો હતો અને પરેશ સાથે વાત કરવા લાગ્યો હતો અને અચાનક પોતાની પાસે રહેલી છરી કાઢી પરેશના સાથળના ઉપરના ભાગે ઝીંકી દઇ બાઇક ત્યાં જ મૂકીને નાસી ગયો હતો. ઘાતક હુમલાથી યુવાન ત્યાં જ ફસડાઇ પડયો હતો. દરમ્યાન ત્યાં હાજર લોકો તેની પાસે દોડી આવ્યા હતા અને આ કોણ હતો ? તેવું પૂછતાં પોતે જ્યારે ગાંધીધામમાં નોકરી કરતો હતો, ત્યારે તેની સાથે આ હુમલો કરનાર દીપક મહેશ્વરી પણ કામ કરતો હતો. તે વેળાની અદાવત રાખીને આ હુમલો કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. લોહી નિંગળતી હાલતમાં યુવાનને સારવાર અર્થે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કરતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આરોપી દીપક પોતાનું બાઇક નંબર જીજે-39-એફ-8004 ત્યાં જ મૂકીને નાસી ગયો હતો. પોલીસે આ ચકચારી બનાવ અંગે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા દોડધામ આદરી હતી. ભુજમાં વૃદ્ધની હત્યા બાદ આજે અંજારમાં યુવાનની હત્યાના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. 

Panchang

dd