• શનિવાર, 11 એપ્રિલ, 2026

સૂર્યવંશીની સટાસટી... રાજસ્થાનની ચોથી જીત

ગુવાહાટી, તા. 10 : કાચી વયે રમતમાં પરિપક્વતાનું પ્રદર્શન બતાવતા રહેતા પ્રતિભાશાળી ખેલાડી વૈભવ સૂર્યવંશી (78) અને ધ્રૂવ જુરેલ (81 નોટ આઉટ)ની અર્ધસદીના બળે રાજસ્થાન રોયલ્સે શુક્રવારે આઇપીએલની ચાલુ સિઝનમાં સળંગ ચોથી જીત મેળવી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આપેલું 202નું લક્ષ્ય માત્ર ચાર વિકેટે આંબી લેતાં રાજસ્થાને છ વિકેટે જીત મેળવી હતી. રાજસ્થાન વતી રંગ રાખતાં ટચૂકડા વૈભવે 26 દડામાં આઠ ચોગ્ગા, સાત છગ્ગા સાથે 78 રન ઝૂડી દઇ ક્રિકેટરસિયાઓને ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું. સામો છેડો સાચવતાં પગ ખોડીને રમનાર ધ્રૂવ જુરેલે પણ જવાબદારીભરી રમત રમી બતાવી હતી. ધ્રૂવે 43 દડામાં આઠ ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે અણનમ 81 રન કર્યા હતા. રાજસ્થાને 21 રને પહેલી વિકેટ ખોયા પછી બેંગ્લોરને છેક 129 રન સુધી બીજી વિકેટ માટે રાહ જોવી પડી હતી. સૂર્યવંશી અને જુરેલે બેંગ્લોરના બોલરોને બરાબરના ધોઇ નાખતાં ફિલ્ડરોને સતત દોડતા રાખ્યા હતા. અગાઉ, સુકાની રજત પાટીદારની અર્ધસદીની મદદથી બેંગ્લોરે 20 ઓવરમાં આઠ વિકેટે 201 રન કર્યા હતા. નવમી ઓવર સુધીમાં 76 રનના સ્કોર પર અડધોઅડધ ટીમે પેવેલિયનની વાટ પકડી હતી. ફિલ સોલ્ટ ખાતું ખોલ્યા વિના વિકેટ ખોઇ બેઠો હતો. કુણાલ પંડયા (1), જીતેશ શર્મા (5), ટીમ ડેવિડ (13) ક્રિઝ પર જામી શક્યા નહોતા. રોયલ ચેલેન્જર્સના દાવને ગતિ આપતાં રજતે 40 દડામાં ચાર ચોગ્ગા, ચાર છગ્ગા સાથે 63 રન ફટકારી દીધા હતા. વિરાટ કોહલીએ ઉપયોગી ફાળો આપતાં 16 દડામાં સાત ચોગ્ગા સાથે 32 રન કર્યા હતા. રોમારીઓ શેફર્ડે 11 દડામાં બે ચોગ્ગા, 1 છગ્ગા સાથે 21, વેંકટેશ અય્યરે 15 દડામાં એક ચોગ્ગા, બે છગ્ગા સાથે 29 રન કર્યા હતા. 

Panchang

dd