આધુનિક ભારતમાં બદલાઈ રહેલી
સામાજિક અને પારિવારિક શૈલીમાં બુઝુર્ગ માતા-પિતાની દેખભાળની સમસ્યા દિવસોદિવસ
ગંભીર સ્વરૂપ લઈ ચૂકી છે. આ સંદર્ભમાં પરિવારના આ વરિષ્ઠ સભ્યો તરફની જવાબદારીને
તેમના સંતાનો બરાબર અદા કરે તે માટે તેલંગાણાની રાજ્ય સરકારે બનાવેલી નીતિ ખરા
અર્થમાં રાષ્ટ્રીયનીતિ બનવી જોઈએ એવી આવકારદાયક ચર્ચા છેડાઈ રહી છે. તેલંગાણામાં
ગયા સપ્તાહે વિધાનસભાએ એક ખરડો પસાર કરીને પરિવારના બુઝુર્ગ માતા-પિતાની દેખભાળ
માટે સરકારી અને ખાનગી કર્મચારીઓ તથા લોકપ્રતિનિધિઓની જવાબદારી નક્કી કરી છે.
ઉલ્લેખનીય છે કે, આધુનિકતાની કાળી બાજુ સમાન હકીકતોમાં બુઝુર્ગ માતા-પિતાની તેમના સંતાનો
દ્વારા દેખભાળ થતી ન હોવાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સંતાનો ગામડાંમાં
માતા-પિતાને છોડીને શહેરોમાં સ્થાયી થતાં આ વડીલોની હાલત કફોડી બની જતી હોય છે.
એવા કિસ્સા વધી રહ્યા છે જ્યાંના વરિષ્ઠ નાગરિકોને એકાકી જીવન જીવવાની ફરજ પડે છે
અથવા વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડે છે. આમ તો આપણા દેશમાં બુઝુર્ગોની દેખભાળ માટે
કડક કાયદાકીય જોગવાઈ છે, પણ આ કાયદાની છટકબારીનો લાભ લઈને
પરિવારના વડીલોને જાકારો આપતા સંતાનો અચકાતા નથી. વળી આવા બુઝુર્ગો શારીરિક અથવા
આર્થિક મુશ્કેલીને લીધે કાયદાની મદદ લઈ શકતા નથી. જો કે, હવે
તેલંગાણા સરકારે એવો ખરડો પસાર કરીને વૃદ્ધ માતા-પિતાની દેખભાળ માટે એક નવતર નીતિ
તૈયાર કરી છે. ગયા સપ્તાહે પસાર કરાયેલા આ ખરડા
મુજબ કોઈ પણ ખાનગી કે સરકારી ક્ષેત્રના કર્મચારી અથવા લોકપ્રતિનિધિ માટે
તેમના માતા-પિતાની સારસંભાળ લેવાનું અનિવાર્ય કરાયું છે. આ અનિવાર્યતાનું પાલન ન
કરી શકનારા સંતાનોને તેમના પગારમાંથી 1પ ટકા અથવા દસ હજાર રૂપિયા એ
બન્નેમાંથી જે ઓછું હોય તે રકમ માતા-પિતાને ભરપોષણ સ્વરૂપે આપવું પડશે. આ ખરડાનો ઉદ્દેશ કર્મચારીઓને તેમના પારિવારિક
મૂલ્યો તરફ સભાન કરવા તથા બુઝુર્ગોને તેમના એકાકી સમયમાં આર્થિક સલામતી પૂરી પાડવાનો
છે. દેશમાં છેલ્લા ઘણા સમયથી પરિવારના બુઝુર્ગ માતા -પિતાની સરસંભાળનો મુદ્દો
ચર્ચામાં રહ્યો છે. સંતાનો તેમના વાલીઓને તરછોડીને કફોડી હાલતમાં મૂકી રહ્યા છે.
આવામાં વિવિધ સ્તરે અલગ-અલગ સૂચનો પણ સામે આવતાં રહ્યાં છે. આવામાં તેલંગાણામાં
લેવાયેલી પહેલને ખરેખર અન્ય રાજ્યોએ અનુસરવાની જરૂરત છે. રાષ્ટ્રીય સ્તરે આવો
કાયદો લવાય તો સોનાંમાં સુગંધ ભળી શકે. તેલંગાણાએ કરેલી પહેલની કેવી અસર પડશે એ
ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે. આ કાયદાનો રાજ્ય સરકાર પ્રામાણિક્તાથી કડકાઈ સાથે અમલ
કરીને તેના સારા ઉદ્દેશને સાકાર કરશે તો સંખ્યાબંધ બુઝુર્ગોની કઠણાઈનો અંત આવી
શકશે.