બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 10 : કચ્છના રણ
વચાળે શ્રદ્ધાનો ઘ્ઘૂવાતો સાગર માનવ મહેરામણના પ્રવાહથી હિલોળે ચડે, ત્યારે કચ્છની કોમી એકતા અને આસ્થાની અનેરી
મિશાલનો નજારો નિહાળવો એ પણ એક સદ્નસીબી-લ્હાવો છે અને એ નજારો એટલે સેંકડો કિ.મી.નું
અંતર પગપાળા કાપી બાબાહાજીપીરની દરગાહે માથું ટેકવવા પદયાત્રીઓ પહોંચે છે. સોદ્રાણાના
શહેનશાહ હાજીપીરનો લોકમેળો ચાલુ વર્ષે રમજાન માસને લઇ મોડો શરૂ થવામાં ગણતરીના દિવસો
જ બાકી રહ્યા છે. કચ્છ, ગુજરાત અને પરપ્રાંતના પદયાત્રિકોનો પ્રવાહ
પાવરપટ્ટીના પંથે આગળ વધતાં હાજીપીરવલીની દરગાહથી વાયા બિબ્બરના ધૂળિયા માર્ગથી લઇ
ભુજના સરપટ નાકા વચ્ચેના 80થી 90 કિ.મી.ના માર્ગમાં નાના-મોટા
સેવા કેમ્પો પદયાત્રીઓની સેવા માટે રાત-દિવસ ધમધમી રહ્યા છે. બિબ્બરથી ઉત્તરે રણમાં
છેક હાજીપીર સુધીના વેરાન પંથકમાં ડગલે પગલે સેવાભાવી કાર્યકરો પદયાત્રીઓની સેવામાં
તલ્લીન બન્યા છે. ભુજના સરપટ નાકાથી માંડી હાજીપીરની દરગાહ વચ્ચે અનેક સુવિધાસભર સેવા
કેમ્પ ધમધમે છે. રૂદ્રમાતા નજીક અંજાર તાલુકાના મથડા, ખોખરાના કાર્યકરો, નોખાણિયા
નજીક ખ્વાઝા ગરીબે નવાઝ સેવા સમિતિ અંજાર, ઝુરા નજીક બન્ની પાણી
પુરવઠા સંકુલમાં છસરા, લોહારિયા, ખોખરાનો
કેમ્પ, ઝુરા ફાટક પાસે ગામની હિન્દુ-મુસ્લિમ સમિતિ દ્વારા પાલનપુર-બાડી
ખાતે મોરબીના કાર્યકરોનો, નિરોણાની પાદરમાં હાજીપીર સેવા સમિતિના
સહયોગથી અમરગઢ નજીક ભુજ-ઝડકાના કાર્યકરો દ્વારા ઉપરાંત બિબ્બરથી આગળ રણપંથકમાં ગુગરઢુઇ,
ભગાડિયા, છસલા, બુરકલ નજીક
અનેક સેવા કેમ્પ પદયાત્રીઓથી ભરચક બન્યા છે. આ કેમ્પમાં ચા, નાસ્તો, આરામ, મેડિકલ સુવિધા, મોબાઇલ રિચાર્જ
જેવી અનેક સવલતો આપવા કાર્યકરો ખડેપગે તૈયાર જોવા મળે છે. પદયાત્રીઓની લાંબી-લાંબી
કતારો, નાના-મોટા વાહનોના ભારે ઘોંઘાટથી મરૂભૂમિના વેરાન પ્રદેશમાં
ભારે હલચલ મચી છે. મધ્યાહનનો સૂરજ તપે એ પહેલાં `કચ્છમિત્ર'ની ટીમે રણપ્રદેશમાં પદયાત્રીઓ અને સેવા કેમ્પોની
જાત મુલાકાત લીધી, ત્યારે ચાલુ સાલે પદયાત્રીઓની સાથે નાના-મોટા
વાહનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રણ માર્ગે ઠેર-ઠેર ઠંડાપીણા, લીલા નાળિયેર, ચીકુ, પપૈયા,
કેળાં, તરબૂચ, કુલ્ફી,
ઠંડાપીણાંની નાની બોટલ જેવી અનેક વસ્તુઓનું ડગલે-પગલે વિતરણ કરતા કાર્યકર્તાઓ
નજરે ચડયા હતા. ભુજ-નખત્રાણા વાયા નિરોણા રોડ પર જોવા મળતી માનવમેદનીની વણતૂટી કતાર
જોવા મળી હતી. - પાંચ ટન તરબૂચ
ખવડાવ્યા : હાજીપીરની દરગાહે જતાં પદયાત્રીઓની દેખભાળ
માટે કાર્યકરો અનેક રીતે સેવા કરતા નજરે ચડયા હતા. અંજાર તાલુકાના મથડાના જાશીનભાઇ
અગારિયાની 15 સભ્યની ટીમે ધોમધખતાં તાપમાં
રણ વચાળે ઠંડા તરબૂચનો સ્વાદ ચખાડતાં નજરે ચડયા હતા. આ કાર્યકરોએઁ છેલ્લા ત્રણ દિવસમાં
પાંચ ટન તરબૂચ ખવડાવ્યાં હોવાનું જણાવ્યું હતું. - કમોસમી વરસાદ નડયો : છેલ્લા થોડા દિવસો પહેલાં
વરસાદના કારણે પદયાત્રીઓ ભારે પરેશાન બન્યા હતા. બિબ્બરથી ઉત્તરે રણપ્રદેશ આ
માવઠાંને લઇ પદયાત્રીઓને રસ્તા વચ્ચે ઠેર-ઠેર કાદવ-કીચડ આજે પણ જોવા મળે છે, જેને લઇ એ રસ્તે જતા પદયાત્રીઓ અને ખાસ કરીને
નાના-મોટા વાહનચાલકો ભારે પરેશાન જોવા મળ્યા હતા.