ભુજ, તા. 10 : ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે રાંધણગેસની
અછત જોવા મળી છે, ત્યારે એક
સમય છૂટથી મળતા ગેસના બાટલા અત્યારે એક બાટલાની મૂળ કિંમત કરતાં 50 ટકા વધુ કિંમત આપવા છતાં મળતાં
નથી, આવી પરિસ્થિતિમાં મુખ્યત્વે લોજવાળા,
ચાવાળા, અન્ય ખાણી-પીણી સાથેના ધંધાર્થીઓએ સગડી
અને ચૂલાઓમાં કોલસા અને સૂકાં લાકડાંનો વપરાશ કરીને પોતાનું કામકાજ ચાલુ રાખ્યું છે.
ચાની હોટેલ ધરાવતા કપિલ ગોર તથા લોજવાળા શ્રી ગોસ્વામીભાઇએ જણાવ્યું હતું કે,
કોમર્શિયલ ગેસના બાટલાની કિંમત રૂા. 1900 ઉપર કાયદેસર છે, ત્યારે
અમને રૂા. 2600થી 2700 ખર્ચતાં પણ મળતા નથી, ઘરેલુ બાટલાની કિંમત રૂા. 935 કાયદેસર છે અને તેનાં રૂા.
1600થી 1700 રૂા. ખર્ચતાં બાટલા મળતા નથી.
તેથી ધંધાર્થીઓએ સૂકાં લાકડાં અને કોલસા વાપરવાની નોબત આવી હોવાનું કહ્યું હતું. લાકડાં
અને કોલસાની ભઠ્ઠી ઉપર બનતી રસોઇ કે ચા ટેસ્ટી
બને છે, પણ ગેસના બાટલા જેટલી ઝડપ આવતી નથી. આ વચ્ચે ભીડગેટ પાસે કોલસાનું
વેતાણ કરતા કપિલ સીજુએ કબૂલ્યું હતું કે, અગાઉ કરતાં કોલસાની
માંગ વધી છે. ભાવમાં બહુ ફરક નથી આવ્યો, પણ વેચાણ વધ્યું છે,
જ્યારે લાકડાંના વેપારી મમણભાઇએ કહ્યું કે, રૂા.
280ના મણે સૂકાં લાકડાં વેચાય
છે અને પહેલાં કરતાં માંગ પણ વધુ હોવાનું કહ્યું
હતું. આમેય ગ્રામ્ય વિસ્તારમાં લાકડાં છૂટથી મળતાં હોવાથી અત્યારથી ગેસની અછત વચ્ચે
ગૃહિણીઓ લાકડાં ઉપર રસોઇ બનાવતી થઇ ગઇ છે. સરકાર ભલે ગેસ વાપરવા માટે પ્રોત્સાહિત કરે
છે, પણ અત્યારની પરિસ્થિતિમાં લાકડાં અને કોલસા
કામ આવી રહ્યા છે, તેવું જણાવાયું હતું.