• શનિવાર, 11 એપ્રિલ, 2026

માલ-મિલકત લખી દીધા પછીયે ભુજવાસી વ્યાજખોરીથી ન છૂટતાં અંતે કાયદાનાં શરણે

ભુજ, તા. 10 : કચ્છમાં વધેલા વ્યાજખોરીના દૂષણ વચ્ચે ભુજના વ્યાજખોરે 10 ટકા લેખે આપેલા એક લાખના બદલામાં 5.90 લાખ લઈ લીધા છતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકેના ચોપડે ફરિયાદ સ્વરૂપે નોંધાયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદી અનવર ઈશાક તુર્કે આશરે એકાદ વર્ષ પહેલાં રૂા. 1 લાખ ભુજના કેમ્પ એરિયામાં રહેતા આરોપી મુસ્તાક મહેમૂદ માંજોઠી પાસેથી મહિનાના 10 ટકા વ્યાજ લેખે લીધા હતા, જે પેટે તેને એક અપાયો હતો અને એક્સેસ વાહન ગિરવે મૂક્યું હતું. બાદમાં ફરિયાદીએ આરોપીને રૂા. 85,000 આપ્યા હતા. ત્યારબાદ વધુ વ્યાજની માગણી કરાતાં ફરિયાદીએ તેનું ભુજિયા રિંગરોડ પાસે આવેલું મકાન રૂા. 4.50 લાખમાં લખાણ કરીને આપ્યું હતું. આરોપી મુસ્તાકે બાકીના નાણાં પરત મળશે, ત્યારે વાહન અને મકાન તેમજ ચેક પરત આપશે તેમ કહ્યું હતું. તેથી અનવરભાઈએ કહ્યું હતું કે, પૂરા નાણાં આપી દીધા બાદ તેને આપવાના રૂપિયા નીકળતા નથી, તો આરોપીએ વધુ રૂા. 55,000 વ્યાજ પેટે નીકળતા હોવાનું જણાવ્યું હતું. જેથી ભોગ બનનારે માતાનાં ઘરેણાં વેચી તે રકમ પણ ચૂકવી આપી હતી. તેમ છતાં મુસ્તાકે વધુ 6.50 લાખ માગ્યા હતા અને જો ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે થાકી હારીને અનવરે કાયદાનો સહારો લીધો હતો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બી-ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd