• મંગળવાર, 07 એપ્રિલ, 2026

તમારી તબિયત કેમ છે ?; આજે વિશ્વ આરોગ્ય દિવસ

આયુર્વેદના જનક લેખાતા ઋષિ ચરકે `ચરકસંહિતા'માં આરોગ્યની સંભાળ માટે ખૂબ વ્યાવહારિક અને સચોટ સલાહ આપી છે કે, તંદુરસ્તી જાળવવા માટે દવાઓની નહીં, સાચી જીવનશૈલી અને શુદ્ધ ખાનપાનની જરૂર છે. સેંકડો વર્ષો પહેલાં કહેવાયેલી વાત આજના આરોગ્ય નિષ્ણાતો-તબીબો દોહરાવે છે. 7મી એપ્રિલ, 1948ના વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ની સ્થાપના થઇ અને આ દિવસને યાદગાર બનાવવા માટે 1950થી વિશ્વ આરોગ્ય દિવસ ઊજવવાની પરંપરા સ્થાપિત થઇ. તબિયત, તંદુરસ્તી, આરોગ્ય આજનો સૌથી સંવેદનશીલ મુદ્દો છે. પહેલું સુખ જાતે નર્યા એ કહેવતનો સંદેશ સ્પષ્ટ છે કે, આરોગ્ય જાળવવાની જવાબદારી ડોક્ટર્સ કે હોસ્પિટલોની નથી, આપણી ખુદની પ્રાથમિકતા હોવી જોઇએ. આજે એકતરફ જિંદગી તનાવભરી બની ગઇ છે, પ્રદૂષણનું પર્યાવરણ પર બેહદ દબાણ છે, ઋતુચક્ર ગૂંચવાઇને પ્રલયો ઊભા કરી રહ્યું છે, વિશ્વમાં લડાતા યુદ્ધોએ ગંભીર ખતરો પેદા કર્યો છે, ભૌતિક સુખ-સુવિધામાં ભયંકર ઉછાળો આવ્યો છે. એ વખતે ડિજિટલ ટેકનોલોજી અને મોબાઈલ, લેપટોપ આજના પેઢીના દિલોદિમાગ પર સવાર થઈ જતાં શારીરિક-માનસિક આરોગ્યના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ સિનારિયોમાં સામાજિક બદલાવ અને હકારાત્મકતા માટે પ્રયત્નશીલ કચ્છમિત્રએ ડિજિટલ સૂર્યાસ્તની અનોખી પહેલ કરી છે. 7મી એપ્રિલે સાંજે એક કલાક મોબાઈલ સ્વીચઓફ કરીને સ્વાસ્થ્યપ્રદ બ્રેક ઊજવવાના આહ્વાનને અનેક સંસ્થાઓએ વધાવી લીધું છે. તમે પરિવારમાં, મિત્રવર્તુળ, મોલ, દુકાન, કાર્યસ્થળમાં કે વ્યક્તિગત રીતે પણ ડિજિટલ સૂર્યાસ્તમાં જોડાશો તો પોતાના માટે, પરિવારના માટે કંઈક કર્યાનો સંતોષ અનુભવાશે... હેતુ સ્પષ્ટ છે ક્રીન ટાઈમ વચ્ચે યોગ, વાતચીત, ગપસપ, વ્યાયામ, આરોગ્યપ્રદ વ્યવહાર અને પરિવારજનો સાથે સમય વીતાવવો. વિશ્વ આરોગ્ય દિવસ-2026ની થીમનું કેન્દ્ર છે મહિલાઓના આરોગ્યની વિશેષ કાળજી. આજે ઘરમાં ગૃહિણીઓ, માતાઓ પરિવારનું ધ્યાન રાખશે, પણ પોતાના ખાનપાન કે તબિયત પ્રત્યે નિર્લેપ રહે છે. નોકરી-વ્યવસાય કરતી મહિલાઓ પણ ઘર અને ઓફિસની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવાના ચક્કરમાં તબિયત પ્રત્યે બેદરકાર રહે છે. હકીકતમાં આવી મહિલાઓએ નિયમિત વ્યાયામ, સમતોલ આહાર, પૂરતો આહાર લેવો જોઈએ. દરરોજ પોણા કલાકથી એક કલાક પ્રકૃતિ સાથે વીતાવવાથી ફાયદો થશે. વિશ્વ આરોગ્ય દિવસ માત્ર ઔપચારિક્તા નથી, પરંતુ એક વૈશ્વિક ચેતવણી (ગ્લોબલ એલાર્મ બેલ) છે, જે આપણને પોતાની દિનચર્યા, ખાનપાન, માનસિક સ્થિતિ અને લાઈફસ્ટાઈલ તરફ ધ્યાન દેવા પ્રેરિત કરે છે. સૌને સારાં સ્વાસ્થ્યની શુભેચ્છા !

Panchang

dd