ગુવાહાટી, તા.9 : યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી
તરફથી મળી રહેલી આક્રમક શરૂઆતથી જીતની હેટ્રિક નોંધાવી ચૂકેલી રાજસ્થાન રોયલ્સનો સામનો
શુક્રવારના મેચમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ થશે. આ ટીમ
પણ વિજયરથ પર સવાર છે. આ મેચમાં 1પ વર્ષીય
વન્ડર બોય વૈભવ સૂર્યવંશી અને વ્હાઇટ બોલ ક્રિકેટના દિગ્ગજ બેટર વિરાટ કોહલીની બેટિંગ
આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. એક તરફ વિન્ટેજ કોહલી હશે તો બીજી તરફ `બેબી બોસ' હશે. બે વર્ષ પહેલા ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિ
જાહેર કરનાર વિરાટ કોહલીનાં પ્રદર્શનમાં કોઈ ઓટ જોવા મળી રહી નથી. તેની આગેવાનીમાં
આરસીબીનું ટોચનો ક્રમ મજબૂત છે. ખાસ કરીને દેવદત્ત પડીક્કલ શાનદાર ફોર્મમાં છે. આ ઉપરાંત
ફિલ સોલ્ટ, કપ્તાન રજત પાટીદાર અને
ફટકાબાજ ટિમ ડેવિડ પાવર હિટિંગ કરી રહ્યા છે. આ મેચમાં આરસીબીના બોલર્સની યશસ્વી જયસ્વાલ
અને વૈભવ સૂર્યવંશી સામે પરીક્ષા થશે. જેકેબ ડફીએ હેઝલવૂડની ખોટ તો પૂરી કરી છે,
પણ તે મીડલ ઓવરમાં રન ગતિ પર અંકુશ મૂકવામાં નિષ્ફળ રહ્યો છે. રાજસ્થાન
રોયલ્સનું લક્ષ્ય વિજયના ચોગ્ગા પર રહેશે. ત્રણ મેચ વર્ચસ્વ સાથે જીત્યા છે. હવે આરસીબીની
બાધા પાર કરવાની છે. જે માટે રિયાન પરાગની ટીમે ત્રણેય મોરચે જોરદાર દેખાવ કરવો પડશે
અને વૈભવ-યશસ્વીની સંભવિત નિષ્ફળતાનો તોડ તૈયાર રાખવો પડશે.