• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

રાજકીય દ્વેષ અને રાષ્ટ્રીય હિત

વિધાનસભાની ચૂંટણી તો પાંચ રાજ્યમાં છે ,પરંતુ બધાના કાન અને આંખ પશ્ચિમ બંગાળ તરફ છે. સામાન્ય દિવસોમાં પણ બંગાળમાં અસામાન્ય રાજકીય ઘટનાક્રમ બનતા રહે છે. ચૂંટણી વખતે ઘટનાઓ અને નિવેદનોનાં પ્રમાણ વધે તે પણ સમજી શકાય, પરંતુ દેશહિત જો નેવે મૂકાય, તો તે સ્થિતિ સ્વીકાર્ય નથી. આ બાબત કોઈ એક જ પક્ષ, એક જ વ્યક્તિ માટે નથી રાજકીય ક્ષેત્રે સક્રિય કોઈ પણ વ્યક્તિ કે દળ માટે આ ગાંઠ વાળવા જેવી વાત છે, પરંતુ અત્યારે ચર્ચામાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન છે. મમતાબેન એવું બોલ્યાં કે, આગામી ચૂંટણીઓ પહેલાં ભાજપ પાસે પહેલગામ હુમલા જેવા હુમલાની વધુ એક બ્લૂપ્રિન્ટ તૈયાર છે? બંગાળની ધરતી ઉપરથી કાશ્મીર અંગે થયેલી આ વાત રાષ્ટ્રીય મુદ્દો બની છે. આવાં વિધાન પાછળ તેમનો સંકેત શું છે? તેનો અર્થ સમજાવવાની જરૂર નથી. `પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કોલકાત્તા ઉપર હુમલો થશે તેવી ધમકી આપી તેનો જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ આપ્યો નહીં? અમે કાર્યવાહી કરશું તેવું કેમ કહ્યું નહીં? શું પહેલગામ હુમલા જેવી બ્લૂપ્રિન્ટ તૈયાર છે? કોઈ  બંગાળને નિશાન બનાવવાની વાત કરે, તો તમે કેમ જવાબ નથી આપતા?' આવા અણિયાળા સવાલ મમતા બેનર્જીએ ચૂંટણીની જાહેરસભામાં પૂછયા. પાકિસ્તાની રક્ષામંત્રીએ એવું કહ્યું કે, `ભારતે પોતે જ પોતાના ઉપર કાર્યવાહી કરી અને દોષ પાકિસ્તાન ઉપર ઢોળ્યો.' આવું કહીને તેઓ આ ઘટનાથી હાથ ખંખેરવા માગે છે, પરંતુ તેની સાથે આપણા દેશના કોઈ નેતા પણ સૂર પુરાવે તે યોગ્ય નથી. રાજકીય યુદ્ધમાં રાજકીય પ્રશ્નો હોય, રાષ્ટ્રીય બાબતો કેવી રીતે આવી શકે? પહેલગામમાં જે હુમલો થયો હતો, તેમાં ભાજપની ભૂમિકા હતી તેવો આક્ષેપ રાજકીય નિવેદન નથી, પરંતુ સરકાર ઉપર, પ્રશાસન ઉપર શંકા છે. ચૂંટણી સમયે પક્ષ-પ્રતિપક્ષ એકમેક ઉપર આક્ષેપ કરે તે સમજી શકાય, પરંતુ રાષ્ટ્રહિત તો સૌથી ઉપર હોવું જોઈએ. ભાજપે પ્રતિઆરોપ લગાવ્યો છે કે, મમતા બેનર્જીએ પોતાના મુસ્લિમ મતદારોની સહાનુભૂતિ મેળવવા માટે આ નિવેદન કર્યું છે. ભાજપ કે નરેન્દ્ર મોદીની ટીકા મમતા બેનર્જી કે અન્ય કોઈ પણ નેતા કરે તે તેમનો અધિકાર છે, પરંતુ જ્યાં રાષ્ટ્રહિત સંકળાયેલું હોય ત્યાં વ્યક્તિ અને દળ ગૌણ બની જાય. ચૂંટણી વખતે ભાષણ થાય, તેમાં ઉગ્રતા પણ હોય, પરંતુ દેશના શત્રુને તેનો લાભ મળે તે રીતે તો વર્તન થવું જોઈએ નહીં. ભારતના નાગરિકો ઉપર થયેલા હુમલામાં ભાજપનો હાથ છે તેવું એક રાજ્યના મુખ્યમંત્રીનું નિવેદન મર્યાદાભંગ કરનારું અને દેશને વિચારતો કરી મૂકે તેવું તો છે જ. 

Panchang

dd