• રવિવાર, 12 એપ્રિલ, 2026

ઈઝરાયલી હુમલા બાદ `યુદ્ધવિરામ' પર તલવાર લટકી

દુબઈ, તા. 9 : એક મહિના કરતાં વધુ સમય સુધી દુનિયાભરમાં ઉચાટ ફેલાવનાર સંઘર્ષ રોકવાની ઘોષણા `અલ્પજીવી' બનશે એટલે કે `યુદ્ધવિરામ' તૂટી પડશે તેવું જોખમ લેબેનોન પર ઈઝરાયલના જીવલેણ હવાઈ હુમલાથી સર્જાયું છે. ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યૂશનરી ગાર્ડે યુદ્ધવિરામ પર અનિશ્ચિતતાની સંભાવના ગંભીરતાથી ધ્યાને લેતાં હોર્મુઝમાં દરિયાઈ સુરંગો યુદ્ધ દરમ્યાન બિછાવી રાખી હતી, તેવું ઈરાની સમાચાર એજન્સીએ જણાવ્યું હતું. મધ્ય પૂર્વમાં રશિયાએ પણ ઝૂકાવ્યું છે. રૂસના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે ઈરાની સમક્ષ સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, યુદ્ધવિરામ સમજૂતીમાં લેબેનોનને પણ સામેલ કરવું જોઈએ. ઈરાને હોર્મુઝ ખોલવા મુદ્દે આનાકાની કરે છે, ત્યારે નાટો દેશોને આખરીનામું આપ્યું છે અને ખાડી ખોલવા માટે અમેરિકાનો સાથ આપવા જણાવ્યું છે. ઈઝરાયલે કહ્યું હતું કે, યુદ્ધવિરામ લેબેનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહના હુમલા કરતાં ઈરાને દાવો કર્યો હતો કે, ઈઝરાયલે યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.દરમ્યાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પરથી કહ્યું હતું કે, યુદ્ધવિરામનો સંપૂર્ણ અમલ નહીં થાય ત્યાં સુધી ઈરાનની આસપાસ યુદ્ધ જહાજો અને દળોની તૈનાતી રહેશે. જરૂર પડશે તો ઈરાન પર ફરી હુમલા કરાશે તેવી ચેતવણી પણ ટ્રમ્પે આપી હતી. બીજી તરફ, ઈરાને કહ્યું હતું કે, અમેરિકાએ યુદ્ધવિરામની ત્રણ શરતો તોડી નાખી છે. એ જોતાં હવે ભરોસો કરવો મુશ્કેલ છે. સાથોસાથ ઈરાનને પાકિસ્તાન પર પણ ભરોસો નથી તેવી પ્રતીતિ કરાવતાં એક ઘટનાક્રમમાં પાકમાં ઈરાની રાજદૂત રજા અમીરી મોગદમે એ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. જેમાં જણાવાયું હતું કેઆવતીકાલે શુક્રવારે વાતચીતમાં સામેલ થવા માટે ઈરાની પ્રતિનિધિ ઈસ્લામાબાદ જશે. ઈઝરાયલ અને અમેરિકા એ વાત પર અડગ છે કે લેબેનોન યુદ્ધ વિરામમાં સામેલ નથી. સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટરેસે પણ લેબેનોન પર લોહિયાળ ઈઝરાયલી હુમલાની ટીકા કરી હતી. ઈરાનની ન્યૂઝ એજન્સી તસ્નીમે સૂત્રોને ટાંકતાં દાવો કર્યો હતો કે, જો લેબનોન ઉપર ઈઝરાયલી હુમલા બંધ નહીં થાય તો ઈરાન વર્તમાન યુદ્ધવિરામથી પાછળ હટી જશે. આ ધમકી સંકેત છે કે, ફરી એક વખત અગામી સમયમાં યુદ્ધ મોટું રૂપ લઈ શકે છે અને તેમાં ઈરાન સીધું કૂદી શકે છે. ઈઝરાયલ દ્વારા લેબનોન  ઉપર કરવામાં આવેલી કાર્યવાહીની અસર સમુદ્રી વ્યાપારી રસ્તા સુધી પણ પહોંચી છે. શિપિંગ સૂત્રો અનુસાર ઈરાની નૌકાદળે એક સત્તાવાર સંદેશ જાહેર કરીને જહાજ માલિકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે, સંબંધિત સમુદ્રી રસ્તેથી પસાર થવા માટે દરેક જહાજે તેહરાનની મંજૂરી લેવી પડશે.  સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, મંજૂરી વિના હોર્મુઝમાં પ્રવેશ કરનારા જહાજોને નિશાન બનાવવામાં આવશે. હુમલા કરીને જહાજ નષ્ટ કરી દેવાશે. આ કદમથી આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ ઉપર ફરીથી સંકટ તોળાઈ રહ્યું છે. અગાઉ ટ્રમ્પે ઘોષણા કરી હતી કે, ઈરાન સાથે પ્રત્યક્ષ શાંતિવાર્તા પાકિસ્તાનમાં ટૂંક સમયમાં યોજવામાં આવશે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી મુલાકાત જલ્દી થશે. જો કે, સુરક્ષા કારણોથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની બેઠકમાં ભાગીદારી હજી નિશ્ચિત નથી. ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકી વિશેષ દૂત સ્ટિવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનર આ વાતચીતમાં સામેલ થશે. જેડી વેન્સ પણ જઈ શકે છે પણ સુરક્ષા મુદ્દાઓને ધ્યાને રાખીને નિર્ણય હજી લેવાયો નથી. - લેબનોનમાં 254નાં મોત :  હિઝબુલ વડાનો સેક્રેટરી ઠાર : નવી દિલ્હી, તા. 9 : ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયરના સંવેદનશીલ સમય વચ્ચે ઈઝરાયલે લેબનોન ઉપર કહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે. ઈઝરાયલે બુધવારે રાત્રે લેબનોન ઉપર 30 વર્ષનો સૌથી મોટો  હુમલો કર્યો હતો. જેમાં 50થી વધારે યુદ્ધ વિમાનો દ્વારા માત્ર 10 જ મિનિટમાં 100થી વધારે હુમલામાં 254 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 700થી વધારેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લેબનોનના રાષ્ટ્રપતિ દ્વારા આ હુમલાને નરસંહાર ગણાવવામાં આવ્યો હતો. ઈઝરાયલના આ હુમલા બાદ દુનિયાભરના દેશો દ્વારા લેબનોન ઉપર હુમલા રોકવા અપીલ કરી હતી. આ હુમલા બાદ ઈરાન દ્વારા ફરી એક વખત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાનું એલાન કર્યું હતું. ઈઝરાયલે દાવો કર્યો છે કે રાતભર લેબનોનની રાજધાની બેરૂતમાં કરેલા હુમલામાં હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમનો ભત્રીજો યૂસુફ હર્શી માર્યો ગયો છે. યૂસુફ હર્શી હિઝબુલ્લાહ ચીફનો પર્સનલ સેક્રેટરી પણ હતો. ઈઝરાયલી સેના તરફથી અપાયેલાં નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, સેનાએ બેરૂત ક્ષેત્રમાં હુમલો કર્યો હતો અને નઈમ કાસિમના પર્સનલ સેક્રેટરી અને ભત્રીજા અલી યૂસુફ હર્શીનો ખાત્મો કરવામાં આવ્યો છે.  

Panchang

dd